GCCI દ્વારા સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન, સાયબર નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન
અમદાવાદ, 10 જાન્યુઆરી, 2026 – cyber awareness program GCCI મહાજન સંકલન ટાસ્કફોર્સ દ્વારા શુક્રવાર, 9 જાન્યુઆરી, 2026 ના રોજ “સાયબર જાગૃતિ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ GCCI ડિજિટલ માર્કેટિંગ અને મીડિયા કમિટી તેમજ GCCI યુથ કમિટી ના સહયોગ થી આયોજિત થયો હતો.
આ પ્રસંગે સાયબર ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રતિપાલસિંહ ઝાલા દ્વારા સાયબર જાગૃતિ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ અવસરે જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયર હાજર રહ્યા.
શું કહ્યું સાયબર ક્રાઇમ પોલીસે?
સાયબર ક્રાઇમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રતિપાલસિંહ ઝાલાએ સાયબર છેતરપિંડીના વધતા જતા કિસ્સા વિશે વાત કરી હતી. તેમણે આ બાબતે મદદરૂપ થવા સાયબર ક્રાઇમ વિભાગની ભૂમિકા વિશે પણ વિગતો આપી હતી. તેઓએ ભાર મૂક્યો હતો કે સાયબર સિક્યોરિટી માટે દરેક વ્યક્તિએ મજબૂત અને સહેલાઈથી જાણી ન શકાય તેવો પાસવર્ડ રાખવો જોઈએ.

કોઈ પણ વેબસાઈટ ખોલતા પહેલાં તે ઓફિસિઅલ સાઇટ છે કે નહિ તેની ખાતરી કરવી જોઈએ તેમ જણાવી તેમણે હેકિંગ ટાળવા માટે કમ્પ્યૂટર જેવાં સાધનોને સુરક્ષિત રાખવા વિશે ભાર મૂક્યો હતો. તેમજ જણાવ્યું હતું કે કોઈએ શંકાસ્પદ લિંક્સ ખોલવી જોઈએ નહીં અને અજાણ્યા કૉલર્સને સંવેદનશીલ વિગતો શેર કરવી જોઈએ નહીં. તેઓએ અવિશ્વસનીય બાહ્ય સેવાઓનો ઉપયોગ કરવાનું ટાળવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે સાયબર ગુનાનો ભોગ બનવાની સ્થિતિમાં તાત્કાલિક સહાય માટે 1930 હેલ્પલાઇન નંબર અંગે પણ ઉપસ્થિત સભ્યોને માહિતગાર કર્યા.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા GCCIના માનદ કોષાધ્યક્ષ ગૌરાંગભાઈ ભગતે વર્તમાન સમયમાં ઇન્ટરનેટ આધારિત સેવાઓ અને મોબાઇલ ફોન દ્વારા સંદેશા વ્યવહાર પર આપણી વધુને વધુ નિર્ભરતા વિશે ઉલ્લેખ કર્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે વર્તમાનમાં આપણો દેશ “ડિજિટલ અર્થતંત્ર” માં મોખરે છે તેમજ સાથે સાથે ઝડપથી વધી રહેલા ઇન્ટરનેટ આધારિત અને નેટ-બેન્કિંગ વ્યવહાર સાયબર ગુનાની શક્યતા વધારી રહ્યા છે.
તેઓએ વિવિધ ગુના જેવા કે ડિજિટલ એરેસ્ટ, સ્કેમ્સ, UPI સંબંધિત ગુનાઓ વગેરેની વધતી જતી ઘટનાઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને ઉમેર્યું હતું કે આપણે સૌએ એક પ્રોટોકોલ અપનાવવો જોઈએ અને સાયબર સંબંધિત છેતરપિંડી ટાળવા માટે શું કરવું અને શું ન કરવું તે સમજવું જોઈએ.
તેમણે ઉપસ્થિત સન્માનનીય વક્તાઓનું સ્વાગત કર્યું હતું તેમજ આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ GCCI મહાજન સંકલન ટાસ્કફોર્સ અને સમર્થન માટે GCCI ડિજિટલ માર્કેટિંગ અને મીડિયા કમિટી અને GCCI યુથ કમિટીને અભિનંદન આપ્યા હતા. આભારવિધિ જી.સી.સી.આઈ મહાજન સંકલન ટાસ્કફોર્સના ચેરમેન આશિષભાઇ ઝવેરી દ્વારા કરવામાં આવી હતી.


