Site icon Revoi.in

સુરતમાં હીરાના કારખાનેથી ઘરે પરત ફરી રહેલા રત્નકાલાકારની છરીના ઘા મારીને હત્યા

Social Share

 સુરતઃ શહેરમાં ક્રાઈમ રેટ વધતો જાય છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસ પહેલાં માત્ર 5 કલાકમાં હત્યાના બે બનાવ બન્યા હતા. ત્યારે ગત મોડીરાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં રત્નકલાકારની હત્યાનો બનાવ બન્યો છે. હીરાના કારખાના પરથી પરત ઘરે જઈ રહેલા 40 વર્ષીય સુરેશ ચિત્રોડા નામના રત્નકલાકારને બાઈક પર આવેલા બે શખસો ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં સુરેશને ગંભીર ઈજા પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવકની હત્યા કોણે અને શા માટે કરી એ પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે.

આ બનાવની વિગત એવી છે કે,  મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના 40 વર્ષીય સુરેશભાઈ પ્રેમજીભાઈ ચિત્રોડા સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે દીકરા છે. સુરેશભાઈ કાપોદ્રા વિસ્તારમાં આવેલા સ્નેહમુદ્રા ખાતે એક હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સુરેશભાઈ રત્નકલાકાર તરીકે કામ કરી રહ્યા હતા. સવારે ટિફિન લઈને કામ પર જતા અને રાત્રે કામ પરથી પરત ઘરે આવતા હતા. તેમનાં માતા-પિતાનાં નાનપણમાં જ અવસાન થઈ ચૂક્યાં હતાં, જેથી પરિવારમાં પણ સર્વેસર્વા સુરેશભાઈ જ હતા. ગતરોજ સવારે સુરેશભાઈ ટિફિન લઈને કામ પર ગયા હતા. દિવાળી વેકેશન પડવાનું હોવાથી ગત રાત્રે તેમને ઘરે પહોંચતાં મોડું થયું હતું. સુરેશભાઈ બાઈક પર ટિફિન લટકાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કાપોદ્રાના હિંમતનગર ખાતેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે શખસે તેમને રોક્યા હતા. દરમિયાન જાહેરમાં રોડ પર લોકોની અવરજવર વચ્ચે સુરેશભાઈને બે ઈસમો પૈકી એકે ચપ્પુના બે જેટલા ઘા મારી દીધા હતા, જેથી સુરેશભાઈ 10 ફૂટ દૂર જઈને ઢળી પડ્યા હતા. આ સાથે બંને ઈસમો ફરાર થઈ ગયા હતા.

સુરેશભાઈને બે જેટલા ચપ્પુના ઘા વાગવાને કારણે લોહી વહી જવાથી થોડી મિનિટોમાં જ મોત નીપજ્યું હતું. જાહેર રોડ પર આ રીતની હત્યા થવાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટના અંગેની જાણ થતાં કાપોદ્રા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ. બી. અસુરા, ડીસીપી આલોકકુમાર, ડીસીપી રાઘવ જૈન અને બે એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.