Site icon Revoi.in

સુરતમાં નકલી કોસ્મેટિક બનાવવાનું ગોદામ પકડાયુ, પિતા-પૂત્રની ધરપકડ

Social Share

સુરતઃ શહેરના પુણાગામની રંગ અવધૂત સોસાયટીમાં આવેલા એક ગોડાઉનમાં મોટા પાયે ડુપ્લીકેટ કોસ્મેટિક વસ્તુઓનું ઉત્પાદન અને પેકિંગ થઈ રહ્યું છે. તેવી બાતમી મળતા પોલીસે તાત્કાલિક છાપો મારતાં ડુપ્લીકેટ કોસ્મેટિક ચીજવસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો ઝોન 1 એલસીબી અને પુણા પોલીસે રેડ પાડીને 11.78 લાખનો ડુપ્લીકેટ ચીઝ-વસ્તુઓનો જથ્થો જપ્ત કર્યો છે.  આ બનાવમાં પિતા અને બે પુત્ર ડુપ્લીકેટ કોસ્મેટિકનો વેપલો ઇ-કોમર્સ વેબસાઇટ ઉપર ચલાવતા હતાં. આરોપીઓ કોસ્મેટીક ચીજ-વસ્તુઓનું રો-મટીરીયલ સસ્તામાં બહારથી લાવી અલગ-અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી નાની-મોટી બોટલોમાં ભરી વધુ પૈસામાં વેચાણ કરતા હતાં. પોલીસે પિતા બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ (ઉં.વ.54), નિરલ બાબુભાઇ ચૌહાણ (ઉં.વ.27) અને સિધ્ધાર્થ બાબુભાઈ ચૌહાણ (ઉં.વ.22)ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના પુણાગામની રંગ અવધૂત સોસાયટીમાં આવેલા એક ગોડાઉનમાં  પિતા અને તેના બંને પુત્રો છેલ્લા 15 મહિનાથી નકલી કોસ્મેટીક ઓનલાઈન વેચવાનો ધંધો કરતા હતા અને લોકોને છેતરતા હતા. ડુપ્લીકેટ કોસ્મેટીક ઉપર કોઈપણ પ્રકારની બ્રાન્ડનું નામ લખવામાં આવતું ન હતું. આ તમામ ડુપ્લીકેટ કોસ્મેટીકને ઓનલાઈન  વેબસાઈટ પર વેચવામાં આવતી હતી. ખૂબ જ સસ્તામાં ક્રીમ, શેમ્પુ, હેર ઓઇલ સહિતનું ડુપ્લીકેટ બનાવવામાં આવતું હતું. દરમિયાન પોલીસને બાતમી મળતા તાત્કાલિક છાપો મારતાં ડુપ્લીકેટ કોસ્મેટિક ચીજવસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ડુપ્લીકેટ માલનું વેચાણ આરોપીઓ ઓનલાઈન ઈ-કોમર્સ વેબસાઇટ્સ અને એપ્લિકેશન મારફતે કરતા હતા. પોલીસે ગોડાઉનમાંથી આશરે ₹11.78 લાખની કિંમતનો ડુપ્લીકેટ કોસ્મેટિક ચીજ-વસ્તુઓનો જથ્થો કબજે કર્યો છે. આ ઉપરાંત, વેપલામાં ઉપયોગમાં લેવાતા ₹25,000ની કિંમતના કમ્પ્યુટર અને પ્રિન્ટર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

આ સમગ્ર વેપલો ઉત્રાણ વિસ્તારમાં આવેલી માધવ પાર્ક સોસાયટીમાં રહેતા એક પરિવાર દ્વારા ચલાવવામાં આવતો હતો. પોલીસે આ મામલે પિતા બાબુભાઈ ઉકાભાઈ ચૌહાણ (ઉં.વ. 54) અને તેમના બે પુત્રો નિરલ બાબુભાઈ ચૌહાણ (ઉં.વ. 27) અને સિદ્ધાર્થ બાબુભાઈ ચૌહાણ (ઉં.વ. 22)ની ધરપકડ કરી છે.