Site icon Revoi.in

ગુજરાતમાં ઈલે. વાહનોના વેચાણમાં ઘટાડો થતાં સરકારે 5 ટકા ટેક્સ છૂટની જાહેરાત કરી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારે ઈલેક્ટ્રિક વાહનો ખરીદનારા લોકોને અપાતી સબસિડી બંધ કરતા ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ઘટાડો થયો હતો. આથી ઓટો ડિલરોએ ઈલે. વાહનો પર સબસિડી આપવાની માગ કરી હતી. ત્યારે રાજ્ય સરકારે ઇવીને પ્રોત્સાહન આપવા માટે 31 માર્ચ, 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે હવે ટેક્સ દર ઘટીને માત્ર 1% થઈ ગયો છે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમનાં ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકશે. અને એનો સીધો લાભ મેળવી શકે છે.

ગુજરાત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલ પર 6 ટકા ટેક્સ લેવામાં આવે છે. જેમાં 5 ટકાનો ઘટાડો કરતા હવેથી 1 ટકા લેખે જ વસૂલવામાં આવશે. ટેક્સમાં 5 ટકા છૂટ આપવાથી ઈલેક્ટ્રિક વાહન ખરીદનારાને ફાયદો થશે. કારમાલિકોને 30 હજારથી લઈને 1 લાખ સુધીનો સીધો ફાયદો થશે. આ જાહેરાતના પગલે ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ફરી વધારો થશે એવી શક્યતા છે.

ગ્રીન મોબિલિટી અને ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે 31 માર્ચ, 2026 સુધી ઈલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ છૂટની જાહેરાત કરી છે. જેથી હવે ઈવી ખરીદનારને માત્ર 1% ટેક્સ ભરવાનો રહેશે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઈલેક્ટ્રિક વાહનોની ઓનલાઇન નોંધણી કરાવી શકે છે અને તેનો સીધો લાભ મેળવી શકે છે.

રાજ્યના પરિવહન મંત્રીએ જણાવ્યું હતુ કે,  આ નાગરિક-કેન્દ્રિત પહેલ હરિયાળા અને સ્વચ્છ ગુજરાત તરફ રાજ્ય સરકારનું એક પગલું છે.  ગુજરાત સરકારે વર્ષ 2025-26ના બજેટમાં આ ટેક્સ ઘટાડા અંગે જાહેરાત કરી હતી. જેને હવે લાગુ કરવામાં આવી છે અને આજે શુક્રવારથી જ તેનો અમલ શરૂ કરી દેવાયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડી ઘણા સમયથી બંધ કરી દીધી છે. અગાઉ ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા અને પ્રદૂષણને ઘટાડવા માટે ટુ વ્હીલર પર 20 હજારની સબસિડી આપતી હતી, જ્યારે 15 લાખથી ઓછી કિંમતના ફોર વ્હીલર પર 1.50 લાખ રૂપિયાની સબસિડી આવતી હતી. જેને બંધ કરી દેવામાં આવતાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. ત્યારે હાલ આપવામાં આવેલી માત્ર 5 ટકા ટેક્સ છૂટથી ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધે છે કે નહીં તે જોવાનું રહેશે.