Site icon Revoi.in

ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલનું સંબોધન, ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે કર્યો‘ સૂત્રોચ્ચાર

Social Share

ગાંધીનગર, 16 ફેબ્રુઆરી 2026: ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે. બજેટ સત્રના પ્રથમ દિવસે આજે રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા મફ કરોનો સૂત્રોચ્ચાર કરાયો હતો. જ્યારે વિધાનસભા પરિસરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા ‘ટ્રેડ ડિલ હટાવો, કિસાન બચાવો’ના પોસ્ટર સાથે વિધાનસભા પહોંચ્યાં હતાં.

ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આશરે 21 મિનિટ સુધી ગૃહને સંબોધન કર્યું હતું. પોતાના પ્રવચનમાં રાજ્યપાલે રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કૃષિ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબ કલ્યાણ માટેના પ્રયાસોનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો. રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ખેડૂતોના દેવા માફ કરો’ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના મુદ્દે સરકાર પર દબાણ બનાવવા માટે કોંગ્રેસે ગૃહમાં અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે ભાજપના ધારાસભ્યોએ પાટલીઓ ખખડાવી વિરોધનો જવાબ આપ્યો હતો. ગૃહમાં થોડો સમય તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.

રાજ્યપાલનું સંબોધન પૂર્ણ થતાં તેમણે ગૃહના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિરોધ વચ્ચે પણ કોંગ્રેસના સભ્યોનો બે વખત આભાર માની સંસદીય પરંપરા જાળવવાનો સંદેશ આપ્યો હતો.

 ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રના પ્રારંભ પૂર્વે ભાજપના ધારાસભ્યોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સત્ર દરમિયાન પાર્ટીની વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. બેઠકમાં સરકારના કાર્યકાળ અને આવનારી કામગીરી અંગે ધારાસભ્યોને ઔપચારિક સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ વિપક્ષ તરીકે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસોને કેવી રીતે તર્કસંગત જવાબ આપવો અને તેમની રણનીતિને નિષ્ફળ બનાવવી તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ઉપાધ્યક્ષની વોટિંગ જેવી મહત્વની પ્રક્રિયામાં પક્ષના તમામ ધારાસભ્યો અનિવાર્ય રીતે હાજર રહે તે અંગે સૂચના આપવામાં આવી હતી.

આજે વિધાનસભાના પરિસરમાં આપ’ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે ટ્રેડ ડીલ રદ કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં લાવવામાં આવે અને આ મુદ્દે ખુલ્લી અને પારદર્શક ચર્ચા કરવામાં આવે. ઉપાધ્યક્ષની ચૂંટણી મુદ્દે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ પદની ચૂંટણીમાં ભાગ નહીં લે અને ચૂંટણીથી દૂર રહેશે.હવે આ મુદ્દે સરકારની પ્રતિક્રિયા અને વિધાનસભાની અંદરની ચર્ચાઓ પર રાજકીય વર્તુળોની નજર ટકી છે.

Exit mobile version