GTUનો પદવીદાન, પ્રાચીન સંસ્કૃતિને ન ભૂલીને અર્વાચીન સંસ્કૃતિ અપનાવીએઃ રાજ્યપાલ
અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)નો 12મો પદવીદાન સમારંભ આજરોજ તારીખ 2 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાનભવન સાયન્સ સીટી ખાતે યોજાયો હતો. રાજ્યપાલ અને જીટીયુના કુલાધીપતિ આચાર્ય દેવવ્રતજીએ પદવી મેળવી રહેલાં વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, ડિગ્રી મેળવી રહેલાં વિદ્યાર્થીઓ તેમના જ્ઞાન થકી સમાજકલ્યાણ અને સમગ્ર દેશનાં વિકાસ કાર્યોમાં સહભાગી થઈને ભારતને વિશ્વગુરૂ બનાવવા માટે કાર્યરત રહેશે. સ્થાપનાકાળથી આજદિન સુધી ટેક્નિકલ શિક્ષણ સહિત વૈશ્વિક મહામારીના સમયમાં પણ જીટીયુના વિદ્યાર્થીઓ અને તમામ કર્મચારીઓ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને માનવતાંનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અર્વાચીન પરંપરાને અપનાવવી જોઈએ , પરંતુ આપણી પ્રાચીન સંસ્કૃતિને ભૂલવી ના જોઈએ. ભારતીય સંસ્કૃતિ , જ્ઞાન પરંપરા અને વિચારધારાથી આજની પેઢી અવગત થાય તે માટે જીટીયુ દ્વારા ધરોહર – સેન્ટર ફોર ઈન્ડિયન નોલેજ સિસ્ટમ શરૂ કરવામાં આવેલ છે. જે ખૂબ જ પ્રશંસનીય છે.
આ પ્રસંગે ગુજરાતના શિક્ષણમંત્રી અને પદવીદાન સમારંભના મુખ્ય અતિથિ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પદવીદાન સમારંભની ક્ષણ દરેક વિદ્યાર્થીના જીવનની કિંમતી ક્ષણ હોય છે. ડિગ્રી મેળવી રહેલા હજારો વિદ્યાર્થીઓએ આ ક્ષણને સાર્થક કરવા માટે સપના સેવ્યાં હશે. એ તમામ વિદ્યાર્થીઓ માટે આજની આ ક્ષણ વાસ્તવિકત્તા છે. વિકાસશીલ રાજ્યોની ગણનામાં ગુજરાત છેલ્લા 2 દશકથી અગ્રહરોળમાં સ્થાન ધરાવે છે. જેનો શ્રેય રાજ્યની યુવાપેઢીને જાય છે. કોઈ પણ દેશનો આધારસ્તંભ આજના શિક્ષિત યુવાનો છે. જે દેશ પાસે યુવાશક્તિ છે તે હંમેશા દરેક ક્ષેત્રમાં સર્વોચ્ચ શિખરે જોવા મળે છે. સમગ્ર દેશમાં ગુજરાતને એક રોલ મોડલ સ્ટેટ તરીકે જોવામાં આવે છે. રાજ્યમાં ટેક્નોલોજીનો વ્યાપ છેલ્લા 1 દશકથી અવિરતપણે વધી રહ્યો છે. જેની પાછળ આપણા રાજ્યના ટેક્નોક્રેટ્સ યુવાનોનો અને આ યુવાનોના ટેક્નિકલ જ્ઞાનમાં વધારો કરનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનો સવિશેષ ફાળો છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ અને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના કુલાધીપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી , મુખ્ય અતિથિ સ્થાને માનનીય શિક્ષણમંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને અતિથિ વિશેષ સ્થાને માનનીય રાજ્ય શિક્ષણમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પંશેરિયા, આઈઆઈટી ગાંધીનગરના ડાયરેક્ટરશ્રી પ્રો. રજત મૂના સહિત જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર , બોર્ડ ઑફ ગવર્નન્સ અને એકેડમીક કાઉન્સિલના સભ્યો , ડિન અને એસોસિયેટ ડિન હાજર રહ્યા હતાં. કુલસચિવ ડૉ. કે. એન. ખેર દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે 12માં પદવીદાન સમારંભને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલ દ્વારા જીટીયુનો વાર્ષીક અહેવાલ રજૂ કરીને પદવી મેળવી રહેલા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
અતિથિ વિશેષ અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પંશેરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,. વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે ટોચની અને શ્રેષ્ઠ ટેક્નોલોજી અપનાવવી જરૂરી બને છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની યાદ કરવા જ રહ્યા. મુખ્યમંત્રીકાળ દરમિયાન તેમણે રાજ્યમાં ટેક્નિકલ શિક્ષણનો વ્યાપ વધે તે હેતુસર , વાઈબ્રન્ટ ગુજરાતના નારો આપીને રાજ્યમાં ટેક્નિકલ યુનિવર્સિટીના નિર્માણ માટેનું સ્વપ્ન સેવ્યું હતું. જે આજે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી રૂપી સોળે કલાએ ખીલેલું જોવા મળી રહ્યું છે. 5 ટ્રીલિયન ઈકોનોમીના લક્ષ્યને હાંસલ કરવા માટે ટેક્નોલોજી આધારીત સંશોધન વર્તમાન સમયની જરૂરીયાત છે. ગુજરાતના તમામ યુવા ટેક્નોક્રેટ્સનો તેમાં બહુમૂલ્ય ફાળો રહશે. જીટીયુ હંમેશા સમાજ ઉત્થાન માટે કટીબદ્ધ રહ્યું છે.
જીટીયુની 12માં પદવીદાન સમારંભમાં જુદા-જુદા કોર્સના 48882 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાંથી 148 વિદ્યાર્થીઓ સહિત 1 સ્ટાર્ટઅપકર્તાને ગૉલ્ડ મેડલ તથા 41 વિદ્યાર્થીઓને પી.એચ.ડીની ડિગ્રી એનાયત કરાઈ હતી.