ગાંધીનગર, 5 જુલાઈ, 2026 : Grant-in-aid schools will now receive a separate grant for peons’ salaries રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં પટ્ટાવાળાની ખાલી જગ્યાઓ એજન્સી દ્વારા આઉટસોર્સથી ભરવામાં આવે છે. અને એજન્સીને નિભાવ ગ્રાન્ટમાંથી રકમ ચૂકવવામાં આવતી હતી. આ અંગે શાળા સંચાલકોની રજુઆત બાદ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પટ્ટાવાળા માટે એજન્સીને ચૂકવવાની રકમ સંસ્થાને મળતી નિભાવ ગ્રાન્ટમાંથી નહીં આપવી પડે. પરંતુ નિભાવ અનુદાન તરીકે શાળાઓને અલગથી ગ્રાન્ટ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા કમિશનર શાળાઓની કચેરીને પરિપત્ર કરી અલગથી ગ્રાન્ટ આપવાનો નિર્ણય લીધો છે. તેમજ ગ્રાન્ટની ચૂકવણી કર્યા બાદ તેનો રિપોર્ટ તે જે જિલ્લા શિક્ષણાધિકારીને સોંપવો પડશે.
રાજ્યમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત બિનશૈક્ષણિક વર્ગ 4 કર્મચારીઓના ભથ્થાં અને પગારની ચૂકવણીને લઈને લાંબા સમયથી ચાલતી સર્જાતી ગૂંચવણનો અંત આવ્યો છે. શાળાઓને આપવામાં આવતી ગ્રાન્ટને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે કમિશનર શાળાઓની કચેરીને પરિપત્ર કરીને ગ્રાન્ટેડ શાળાઓને અલગથી ગ્રાન્ટ આપવા માટે જણાવ્યું છે. પટ્ટાવાળાની સેવા માટે એજન્સીઓને ચૂકવવામાં આવતી રકમ શાળાઓએ નિભાવ ગ્રાન્ટમાંથી આપવાની નથી. હવે ગ્રાન્ટેડ શાળાઓને નિભાવ અનુદાન તરીકે પટ્ટાવાળાની સેવા માટે એજન્સીઓને ચૂકવવા અલગથી ગ્રાન્ટ આપવામાં આવશે.
અગાઉ ઘણી ગ્રાન્ટેડ શાળાઓમાં સમસ્યા એ હતી કે સરકારે બિનશૈક્ષણિક વર્ગ 4ની સેવાઓ ચાલુ રાખવાની મંજૂરી તો આપી હતી, પરંતુ તેમની ચૂકવણી માટે અલગથી ગ્રાન્ટ આપવામાં આવતી નહતી. જેથી શાળાઓએ ભાડા, લાઇટ બિલની સાથે સાથે એક જ ગ્રાન્ટમાંથી પટ્ટાવાળાની સેવા માટે એજન્સીઓને રકમ ચૂકવવી પડતી હતી. જેને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા અલગથી ગ્રાન્ટ આપવા માટે શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેથી એક જ ગ્રાન્ટમાંથી રકમ ચૂકવવાની હોવાથી અનેક જગ્યાએ કર્મચારીઓના મહિનાઓ સુધી પગાર અટવાઈ જતાં હોવાની પણ રજૂઆતો કરવામાં આવી હતી. શાળા સંચાલક મંડળો અને કર્મચારી સંગઠનોએ શિક્ષણ વિભાગ સમક્ષ વારંવાર રજૂઆત કરીને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવાની માગ કરી હતી. જેને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને પટ્ટાવાળાની સેવા માટે એજન્સીઓને ચૂકવવામાં આવતી રકમ માટે અલગથી ગ્રાન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી આઉટસોર્સ વર્ગ 4 કર્મચારીઓના પગાર અને ભથ્થાંની ચૂકવણી ગ્રાન્ટેડ શાળાઓને અલગથી આપવામાં આવતી નિભાવ અનુદાન ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.

