1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત ભાજપ દ્વારા 1લી ડિસેમ્બરથી વન ડે, વન ડિસ્ટ્રિક્ટ અભિયાન, પાટિલ કાર્યકર્તાને મળશે
ગુજરાત ભાજપ દ્વારા 1લી ડિસેમ્બરથી વન ડે, વન ડિસ્ટ્રિક્ટ અભિયાન, પાટિલ કાર્યકર્તાને મળશે

ગુજરાત ભાજપ દ્વારા 1લી ડિસેમ્બરથી વન ડે, વન ડિસ્ટ્રિક્ટ અભિયાન, પાટિલ કાર્યકર્તાને મળશે

0
Social Share

ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનને મિશન 2022 ને પાર પાડવા માટે તૈયાર કરેલી બ્લ્યુ પ્રિન્ટના ભાગરૂપે હવે 1લી ડિસેમ્બરથી ‘વન ડે, વન ડિસ્ટ્રીક્ટ’ અભિયાન શરૂ કરાશે. પ્રશિક્ષણ વર્ગોની શ્રેણી શરૂ કર્યા બાદ જિલ્લાઓ અને તાલુકાઓમાં  સ્નેહમિલન કાર્યક્રમો યોજી  ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસ પૂરો કર્યો છે.  હવે  વન ડે, વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ હેઠળ પ્રમુખ પાટીલ અને સંબંધિત ઝોનના મહામંત્રી સાથે આખો દિવસ એક જિલ્લામાં રોકાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની છે. ત્યારે લાંબા સમયથી મૃત:પ્રાય થયેલા ભાજપના સંગઠનને છેલ્લા સવા વર્ષથી પ્રમુખે સક્રિય કરવાની કવાયત શરૂ કરી છે. એમાંય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષ કે તેથી મોટી ઉંમર, ત્રણ ટર્મ ચૂંટાનાર, પદાધિકારીઓના સગાસંબંધીઓને ટિકિટ નહીં આપીને નવો ચિલો ચાતર્યો હતો. એ જ રીતે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાંથી રાજીનામાં અપાવીને ભાજપની ટિકિટ પર ચૂંટવાના પગલાંથી નારાજ કાર્યકરોની લાગણીનો પણ પાટીલે પડઘો પાડ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, હવે ભાજપ ચૂંટણી જીતવા માટે કોંગ્રેસમાંથી કે અન્ય પાર્ટીમાંથી કોઇને સામેલ કરશે નહીં. આ ઉપરાંત સમગ્ર મંત્રીમંડળને બદલી નાખી કાર્યકરોને સરકાર સાથે સીધો નાતો સ્થાપિત કરતી વ્યવસ્થા ગોઠવાતા સંગઠનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપમાં હવે છેક બૂથ કમિટીના કાર્યકરોથી માંડીને જિલ્લાભરના પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કરવા, એમના પ્રશ્નો, મુશ્કેલીઓ સમજવા માટે પ્રમુખ પાટીલે ‘વન ડે-વન ડિસ્ટ્રીક્ટ’નો કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું હતું  કે, આ કાર્યક્રમ હેઠળ તેઓ અને સંબંધિત જિલ્લાના મહામંત્રી જિલ્લામાં રોકાશે. કાર્યકરોની સાથોસાથ કોઇ નાગરિકને પણ મળવું હશે એ મળી શકશે. હવે જ્યારે રાજ્ય ચૂંટણી પંચે  10,117 ગ્રામ પંચાયતની સામાન્ય સહિત કુલ  10,879  ગ્રામ પંચાયતની ચૂંટણીઓ  19મી  ડિસેમ્બરના રોજ યોજવાની જાહેરાત કરી છે ત્યારે પાટીલના આ પ્રવાસ કાર્યક્રમથી મહત્તમ ગ્રામ પંચાયતોને સમરસ કરવાની વ્યવસ્થા પણ ગોઠવવા મથામણ થશે, એમ ભાજપના નેતાઓનું માનવુ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આમ તો બે કરોડ મતદારો લગભગ 90,000  ગ્રામીણ જનપ્રતિનિધિઓને ચૂંટવાના છે. આ જનપ્રતિનિધિઓ આગામી વિધાનસભા જેવી મોટી ચૂંટણીમાં સીધા ઉપયોગી બનતાં હોય છે. આ ચૂંટણીઓ પક્ષીય ચૂંટણી ચિહ્ન વગર યોજાતી હોવાથી દરેક પક્ષ પોતાના સમર્થિત ઉમેદવારો સરપંચ બને એના માટે સામાન્ય ચૂંટણીઓની જેમ જ શક્તિઓ કામે લગાડતો હોય છે. હાલ ભાજપ 31 જિલ્લા, 205 તાલુકા, 75 નગરપાલિકા અને સાત કોર્પોરેશનમાં સત્તા ધરાવે છે ત્યારે આ ચૂંટણીમાં મહત્તમ ભાજપ સમર્થિત ઉમેદવારો વિજયી બને એવા પ્રયાસો થશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code