
ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસમાં ગુજરાત કનેકશન આવ્યું સામે, ફંડીંગ કરનારની ધરપકડ
અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તન કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ પ્રકરણમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરીને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રકરણમાં ગુજરાતનું કનેકશન સામે આવતા ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે તપાસ ગુજરાત સુધી લંબાવી હતી. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા સલાઉદ્દીન નામના શખ્સની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સલાઉદ્દીને ધર્મપરિવર્તન માટે આરોપીઓને રૂ. 30 લાખનું ફંડીંગ આપ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે ધર્મ પરિવર્તન રેકેટનો પર્દાફાશ કરીને પહેલા મહંમદ ગૌતમ અને જહાંગીર નામના બે મૌલવીઓની ધરપકડ કરી હતી. તેમજ આરોપીઓની પૂછપરછમાં અન્ય 3 શખ્સોના નામ સામે આવતા તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં વડોદરાના સલાઉદ્દીન નામના શખ્સની સંડોવણી સામે આવી હતી. જેથુ યુપી પોલીસે ગુજરાતમાં ધામા નાખ્યાં હતા. તેમજ ગુજરાત એટીએસની મદદથી આરોપીની ધરપકડ કરી હતી.
સલાઉદ્દીનના એનજીઓને વિદેશથી ફંડ મળતું હતું. અને વિદેશથી આવેલાં આ પૈસાનો ઉપયોગ તે ધર્માંતરણ માટે કરતો હતો. તેણે ઉંમર ગૌતમને 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું. યુપી એટીએસે આ મામલે સલાઉદ્દીનના ઘર અને ઓફિસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉમર ગૌતમની દિલ્હીમાં આવેલી દાવાહ નામની એનજીઓના હિસાબોની ચકાસણીમાં વડોદરાના સલાઉદ્દીનના આર્થિક વ્યવહારો બહાર આવ્યા હતા. વડોદરાના બાજવા વિસ્તારમાં ફૂડ વ્યવસાયની સાથે પણ સંકળાયેલો હતો.
ધર્મ પરિવર્તન રેકેટમાં પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં આ પ્રકરણમાં હજુ આગામી દિવસોમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી શકયતા છે.