ગાંધીનગર, 20 મે, 2026 : Gujarat government has made 11 rules for efficient administration વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડીઝલની બચત કરવા અપીલ કરાયા બાદ ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલમાં બચત અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે સત્તાવાર પરિપત્ર જાહેર કરી 11 નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરિપત્રમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચ ઘટાડવા અને ટેક્નોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા સૂચનાઓ આપવામાં આવી છે.
ગુજરાત સરકારે પરિપત્ર જારી કરીને કરકસરયુક્ત વહિવટ કરવાની હિમાયત કરી છે. જેમાં સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન કરવું. ક્ષેત્રીય અધિકારીઓ/કર્મચારીઓને મિટિંગ માટે રૂબરૂ બોલાવવાના બદલે ટેલિફોન, મોબાઈલ, ઈ-મેઈલ અને વીડિયો કોન્ફરન્સિંગ કે ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવો. અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન કરવું નહીં અને વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો, અભ્યાસ પ્રવાસો કે પરિષદોમાં ભાગ લેવાનું ટાળવું
આ ઉપરાંત અન્ય રાજ્યમાં કે કેન્દ્રમાં યોજાતી બેઠકો માટે બને ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી જોડાઈને પ્રત્યક્ષ પ્રવાસ ટાળવો. જો પ્રવાસ અનિવાર્ય બને, તો ઉચ્ચ અધિકારીઓએ અત્યંત જરૂરી હોય તે સિવાય હાથ નીચેના સ્ટાફને સાથે ન રાખવો. અધિકારી/કર્મચારીએ શક્ય હોય ત્યાં સુધી જિલ્લા બહારની મુસાફરી ટાળવી. જો મુસાફરી જરૂરી હોય, તો પ્રવાસ કરતા પહેલાં પોતાના નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે.
પરિપત્રમાં જણાવ્યા મુજબ અધિકારીઓએ ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના વાહનો બિનવપરાશમાં મૂકવા. જો કોઈ અધિકારી એકથી વધુ જગ્યાનો (વધારાનો હવાલો) સંભાળતા હોય, તો તેમને મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાયના અન્ય તમામ સરકારી વાહનો તાત્કાલિક ‘સરકારી વાહન પુલ’ (Vehicle Pool)માં જમા કરાવવાના રહેશે. જે અધિકારીઓ પાસે સરકારી વાહનોના વિકલ્પ તરીકે પેટ્રોલ, ડીઝલ અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ઉપલબ્ધ હોય, તેઓએ ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) અથવા હાઈબ્રિડ મોડલનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. તેમજ પર્યાવરણની જાળવણી અને ઈંધણની બચત માટે અધિકારીઓ/કર્મચારીઓએ ખાનગી વાહનોનો ઉપયોગ ટાળીને મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવો.
તમામ સરકારી કેન્ટીનમાં આગામી 6 મહિનામાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્ટિવિટી ફરજિયાત મેળવવાની રહેશે. તમામ સરકારી સંસ્થાઓમાં સ્વદેશી ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદન, MSMEs અને ભારતીય મૂળની સેવાઓને અગ્રતા આપવા માટે ખરીદ નીતિઓ મજબૂત બનાવવી. વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે ગભરાટમાં આવીને કરવામાં આવતી ખરીદી અને બિનજરૂરી સંગ્રહખોરી અટકાવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવું. વિવિધ વિભાગો દ્વારા યોજાતા કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે આયોજિત કરવા તેમજ લોકાર્પણના કાર્યક્રમો પ્રત્યક્ષ કરવાને બદલે વર્ચ્યુઅલ (ઓનલાઈન) પદ્ધતિથી કરવાનો આગ્રહ રાખવો
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વધતા વપરાશ વચ્ચે હવે સરકાર વિવિધ સ્તરે બચત માટે નવા વિકલ્પો પર વિચારણા કરી રહી છે. આ મુદ્દે શ્રમ અને રોજગાર મંત્રીએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોર્પોરેટ સેક્ટરમાં શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરવામાં આવશે. ખાસ કરીને મોટા શહેરોમાં રોજિંદા ઓફિસ જવા-આવવાના કારણે પેટ્રોલ અને ડીઝલનો વ્યાપક ઉપયોગ થાય છે, જેને ઘટાડવા માટે ઓનલાઈન કાર્ય પદ્ધતિ અસરકારક બની શકે છે

