Site icon Revoi.in

ગુજરાત સરકાર 55 વર્ષ પૂર્ણ કરનારા બિનકાર્યક્ષમ કર્મચારીઓને ફરજિયાત VRS આપશે

Social Share

ગાંધીનગર, 12 મે 2026 : VRS mandatory for inefficient employees aged 55 years ગુજરાત સરકારમાં જે કર્મચારીઓ 55 વર્ષની વય વટાવી ચુક્યા છે. અને કામમાં બિન કાર્યક્ષમ હોય એવા કર્મચારીઓને ફરજિયાત નિવૃત (VRS) કરાવાનું સરકાર વિચારી રહી છે. રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને તમામ વિભાગો પાસેથી 55 વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓની 11 મુદ્દાઓની વિગત મંગાવવામાં આવી છે. વિગતો મળ્યા બાદ સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે. જેમાં જો કોઈ કર્મચારીની કામગીરી સંતોષજનક નહીં હોય, શિસ્તભંગના કેસ હોય અથવા ફરજ પ્રત્યે બેદરકારી જણાશે તો સરકાર એવા કર્મચારીઓને સમય પહેલાં નિવૃત્ત કરી દેશે.

સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્ય સરકારમાં જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓની ઉંમર 55 વર્ષને વટાવી ગઈ હોય અને કર્મચારી બિન કાર્યક્ષમ હોય તો એવા કર્મચારીઓને ફરજિયાત નિવૃત કરી દેવામાં આવશે. હિસાબ અને તિજોરી નિયામક કચેરી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર ગ્રુપ-1થી ગ્રુપ-4 સુધીના એવા કર્મચારીઓની વિગતો મંગાવવામાં આવી છે. જેઓ 1 ઓક્ટોબર 2026થી 31 ડિસેમ્બર 2026 દરમિયાન 55 વર્ષની ઉંમર પૂર્ણ કરતા હોય. સરકાર હવે આવા કર્મચારીઓના છેલ્લા કેટલાય વર્ષોના સેવા રેકોર્ડ, ગુપ્ત અહેવાલો, શિસ્તભંગની કાર્યવાહી અને કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરશે.

સરકારી સૂત્રોના કહેવા મુજબ, સરકારનો મુખ્ય ઉદ્દેશ વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવાનો છે. લાંબા સમયથી નબળી કામગીરી કરનાર અથવા બિનઉત્પાદક કર્મચારીઓ સામે કાર્યવાહી માટે આ પ્રક્રિયા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમામ વિભાગોને 30 મે 2026 સુધીમાં માહિતી મોકલવા સૂચના આપવામાં આવી છે. માહિતીના આધારે રાજ્ય સરકાર આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરી શકે છે.

Exit mobile version