
ગુજરાત સરકારનો નિર્ણયઃ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જતી એસ.ટી.બસો બંધ કરાઈ
- ગુજરાતના પડોશી રાજ્યોમાં લોકડાઉન
- એસટી સેવાને પડી અસર
- યોગ્ય પ્રવાસી નહીં મળતા લેવાયો નિર્ણય
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા અનેક રાજ્યોમાં લોકડાઉન નાખવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ સહિત 29 શહેરો-નગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેથી આ રાજ્યો સુધી ગુજરાતની એસટી બસ નહીં દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં અનેક ગામમાં સ્વૈચ્છીક લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદ સહિત 29 શહેરો-નગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેથી એસ.ટી નિગમ દ્વારા રાજ્યમાં બસોના રૂટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો થતા આજથી રાજસ્થાનમાં 14 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન આપવામાં આવેલું છે. ગુજરાતના પડોશી રાજ્યોમાં લોકડાઉનની અસર એસટી બસ સેવાને પણ પડી છે. પુરતા મુસાફરો નહીં મળતા ગુજરાત સરકાર દ્વારા આ 3 રાજ્યો સુધી બસ નહીં દોડાવવાનો નિર્ણય કરાયો છે. એટલું જ નહીં આ ત્રણ રાજ્યોમાં લોકડાઉનને કારણે સરકારી બસ સેવા ગુજરાત સુધી દોડાવવામાં આવતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ કોરોના મહામારીને પગલે રાજ્યના મોટાભાગના માર્ગો ઉપર વાહન-વ્યવહાર પણ ઘટ્યો છે. જેથી એસટી નિગમ દ્વારા કેટલાક રૂટ હાલ બંધ કરવામાં આવ્યાં છે.