 
                                    અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે પડેલા આ માવઠાના કારણે ભારે નુકસાન પણ થયું હતું. સાથે જ ખેડૂતોના ઉનાળુ પાકને પણ નુકસાન થયુ હતું. ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સર્વે કરવાની સૂચના આપી છે. આ અંગે સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વરસાદની આગાહી યથાવત છે, રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતોને એવી ખાતરી આપી છે કે, સરકાર ભૂતકાળની જેમ હંમેશા ખેડૂતોની સાથે રહેશે.
રાજ્યમાં તાજેતરમાં વાતાવરણમાં આવેલા પલટાને કારણે રાજ્યના વિવિધ નગરો અને ગામમાં ભારે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. દરમિયાન રાજ્યમાં વીજળી પડવાની ઘટનાઓ પણ બની હતી. જેમાં પાંચેક વ્યક્તિઓના મોત થયાં હતા. ભારે પવન સાથે વરસેલા વરસાદને પગલે ખેતરમાં ઉભા પાકને નુકશાન થયાની ભીતી સેવાઈ રહી છે.
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં અષાઢી માહોલ સર્જયો છે. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેતા થયા છે. અમરેલી જિલ્લામાં એક દિવસ વરસાદનાં વિરામ બાદ આજે ફરી બપોર બાદ વાતાવરણમાં ફરક જોવા મળ્યો હતો.
અમરેલી જિલ્લાનાં લાઠી બાબરા કુંડલામાં ધોધમાર વરસાદ ખાવ્યો હતો તેની સાથે જ વઢેરા અને નાના ભંડારીયા, બાબરા, લાઠીમાં સારો વરસાદ પડ્યો હતો. બાબરામાં જીવાપરામાં વીજળીના ધડાકા સાથે વરસાદ પડ્યો. લાઠી ગામોમાં વરસાદ સારો પડ્યો તેમજ કુકાવાવ વડીયા તોડી રામપુર સૂર્યપ્રથમગઢ સનાળા વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના 60 ટકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા અમરેલી જિલ્લામાં નુકસાનનાં દ્રશ્યો પણ સામે આવ્યા છે. બાબરા વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે કેટલાક વૃક્ષો તેમજ પ્રર્ક કરેલાં વાહનોમાં નુકસાન થયું હતું.
તાપીમાં નિઝર તાલુકામાં વાવાઝોડાથી વાંકા ગામે કેટલાક ઘરોના પતરા ઉડંયા. ક્યાક ઘરોના પતરા ઉડ્યા તો કેટલીક જગ્યાઓ પર વૃક્ષ પડ્યા.. ભારે પવનનાં કારણે વીજપોલ તૂટતા વીજ પૂરવઠો કલાકો સુધી બંધ રહ્યો હતો. ઘરોના પતરા ઉડતા પરિવારને ભારે નુકસાન થયું હતું. આ સાથે જ વાંકાથી હથોડા જતા રસ્તા પર વૃક્ષ પડ્યું હતું.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

