ગાંધીનગર, 31 મે. 2026 : Gujarat leads with increase in milk production દર વર્ષે ૧લી જૂનને સમગ્ર વિશ્વમાં “વિશ્વ દૂધ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવાનો અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. આજે દૂધ માત્ર એક પૌષ્ટિક આહાર નથી રહ્યું, પરંતુ પશુપાલન સાથે જોડાયેલા કરોડો પરિવારોની આજીવિકાનો મજબૂત આધાર સ્તંભ બન્યું છે.
*વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો: દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ*
ભારત વર્ષ ૧૯૯૮થી દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ રહ્યું છે. આજે દેશ વાર્ષિક ૨૪૭ મિલિયન ટન જેટલા દૂધ ઉત્પાદન સાથે વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ૨૫ ટકા જેટલો સિંહફાળો ધરાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારની વિવિધ પ્રોત્સાહક નીતિઓના કારણે છેલ્લા એક જ દાયકામાં દેશના કુલ દૂધ ઉત્પાદનમાં ૬૯ ટકા જેટલો અભૂતપૂર્વ વધારો નોંધાયો છે, જ્યારે ઉત્પાદન પ્રતિ વર્ષે ૫.૫ ટકાના દરે વધી રહ્યું છે. દેશની કુલ GDPમાં ડેરી ક્ષેત્રનો ફાળો લગભગ ૫ ટકા જેટલો છે. દેશમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં ૫૨ ટકા વધીને આજે ૪૮૫ ગ્રામ પ્રતિ દિન થઈ છે, જે નાગરિકોના પોષણ સ્તરમાં સુધારાનો મજબૂત પુરાવો છે.
*ગુજરાતની શ્વેતક્રાંતિ ૨.૦: બે દાયકામાં ૧૨.૫ મિલિયન ટનનો વધારો*
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ગુજરાત આજે ડેરી ઉદ્યોગમાં કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. ગુજરાત આજે વાર્ષિક ૧૯ મિલિયન ટનથી વધુ દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ૭.૭૮ ટકા જેટલો મહત્વનો ફાળો આપી રહ્યું છે. છેલ્લા બે દાયકાની વાત કરીએ તો, રાજ્યના દૂધ ઉત્પાદનમાં ૧૨.૫ મિલિયન ટનનો રેકોર્ડબ્રેક વધારો થયો છે, જેના પરિણામે ગુજરાત આજે દેશમાં ચોથા ક્રમે પહોંચ્યું છે. આ સમયગાળા દરમિયાન વાર્ષિક સરેરાશ વિકાસ દર પણ ૯.૩૦ ટકા રહ્યો છે.
ગુજરાત માટે સૌથી ગૌરવની વાત તો એ છે કે, રાજ્યમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા છેલ્લા એક દાયકામાં ૪૮ ટકા વધીને આજે ૭૩૦ ગ્રામ પ્રતિ દિન થઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૪૮૫ ગ્રામ પ્રતિ દિન કરતાં ઘણી વધારે છે.
*પશુ આરોગ્ય અને સુદ્રઢ સારવારનું માળખું*
દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે પશુઓનું ઉત્તમ સ્વાસ્થ્ય અનિવાર્ય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે પશુઓને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો, જે અનુસાર આજે ગુજરાતની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

