Site icon Revoi.in

ગુજરાતઃ ટેબ્લોના કલાકારો દ્વારા આયોજીત નૃત્ય કાર્યક્રમમાં ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા

Social Share

અમદાવાદઃ 76 મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે. જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા 21મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત ટેબ્લો સાથે આવેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક પરફોર્મન્સ ત્રીજા ક્રમે વિજેતા બન્યું છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.

ભારત સરકાર દ્વારા યોજાનાર ગણતંત્ર દિનની ઉજવણીમાં વિવિધ રાજ્યો દ્વારા પ્રતિવર્ષ ટેબ્લો રજૂ કરવામાં આવે છે. આ રાજ્યોના માધ્યમથી સાંસ્કૃતિક દ્રષ્ટિએ પ્રતિનિધિત્વ કરતા કલાકારો દ્વારા રાષ્ટ્રીય રંગશાળા શિબિર દિલ્હી કેન્ટોન્મેન્ટ ખાતેના “ઝંકાર હોલ”ખાતે સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગુજરાત ત્રીજા ક્રમે, ગોવા પ્રથમ ક્રમે અને ઉતરાખંડ બીજા ક્રમે વિજેતા બન્યું હતું. જ્યારે પ્રોત્સાહક ઇનામ પશ્ચિમ બંગાળને મળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાયેલ આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર સરકારના વિભાગો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પારંપારિક નૃત્યો યોજાયા હતા. જેમાં ચાર ઇનામોની જાહેરાત કરાઈ હતી. જેમાં ગુજરાતના પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ને ત્રીજો ક્રમ મળ્યો હતો. આ કાર્યક્રમના અંતે રાજ્ય સરકાર વતી સાંસ્કૃતિક ગ્રુપના કલાકારોએ ટ્રોફી સ્વીકારી હતી.

Exit mobile version