
ગુજરાતઃ શ્રમિકોને ફરીથી માત્ર રૂ. 10માં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ભોજન મળશે
અમદાવાદઃ ગુજરાતમાં શ્રમિકોને ભોજન મળી રહે તે માટે વર્ષ 2017માં શ્રમિક અન્નપર્ણા યોજનાનો પ્રારંભ કર્યો હતો. જેના કારણે શ્રમિકોને માત્ર રૂ. 10માં ભોજન મળતું હતું. જો કે, દોઢ વર્ષ પહેલા આ યોજના બંધ કરવામાં આવી હતી. જો કે, રાજ્યની નવી ભૂપેન્દ્ર પટેલની સરકારના નવા શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ શ્રમિકોને સસ્તુ અને સારુ ભોજન મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી એક મહિનામાં ફરી એકવાર માત્ર રૂ. 10માં જ શ્રમિકોને ભોજન મળશે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજય સરકારે 18મી જુલાઈ, 2017ના રોજ શ્રમિકો અને ગરીબો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કર્યો હતો. જોકે કોરોનાની મહામારીના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના છેલ્લા દોઢ વર્ષથી બંધ હાલતમાં હતી. જોકે રાજ્યમાં કોરોના કેસોમાં ઝડપી ઘટાડા બાદ સરકારે આ યોજનાને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ નક્કી કરેલાં શહેરોમાં શ્રમિકો-કામદારોને માત્ર ૧૦ રૂપિયામાં જ ટિફિન અપાતું હતું. જેમાં રોટલી અથવા થેપલાં, શાક, અથાણું કે ચટણી અને લીલાં મરચાં અપાતા હતા. શ્રમિકો વહેલી સવારે કામ પર નીકળે ત્યારે ટિફિન ભરાવી લેતા અને, એ રીતે સવારે ૭થી ૧૧ વાગ્યા સુધી ત્યાં કાઉન્ટર પર ભોજન વિતરણ થતું હતું.
રાજ્ય સરકારના નવા મંત્રીમંડળમાં શ્રમ-રોજગાર મંત્રી તરીકે બિરાજમાન બ્રિજેશ મેરજા દ્વારા આ યોજના ફરી શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રર્મિકોની એક માસના સમયગાળા બાદ ફરી એકવાર શ્રર્મિક અન્નપૂર્ણા યોજનાનો લાભ મળી રહેશે.
(Photo – File)