
ગુજરાત એસ.ટી.નિગમને હોળીના તહેવારમાં રૂ. 3.76 કરોડની આવક
અમદાવાદઃ હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. દરમિયાન પાંચ દિવસના સમયગાળામાં એસટીને લગભગ 3.76 કરોડની આવક થઈ હતી. ગયા વર્ષે આ તહેવારમાં લગભગ બે કરોડની આવક થઈ હતી. જેની સરખામણીમાં ચાલુ વર્ષે આવકમાં નોંધયાત્ર વધારો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હોળી અને દિવાળીના તહેવાર સમયે એસ.ટી.નિગમ વધારાની બસોનું સંચાલન કર્યું હતું. આ વર્ષે નિગમ દ્વારા વધારાની બસોના સંચાલન થકી રૂ. 3.76 કરોડની આવક થઈ છે. ગત વર્ષે નિગમની હોળીના તહેવાર સમયે વધારાની બસના સંચાલન થકી 2,13,40,161 રૂપિયાની આવક થઈ હતી. ચાલુ વર્ષે હોળીના તહેવાર દરમિયાન 6922 ટ્રીપનું સંચાલન કર્યું હતું, જ્યારે ગત વર્ષે કોરોના હોવાથી મર્યાદિત પ્રમાણમાં યાત્રિકોની અવરજવર જોવા મળી હતી અને 3106 ટ્રીપનું સંચાલન થયું હતું. ચાલુ વર્ષે કોરોનાના કેસો નહીવત પ્રમાણમાં હોવાથી યાત્રિકોની અવરજવર મોટા પ્રમાણમાં જોવા મળી હતી. જેથી નિગમને વધારાની બસોના સંચાલન થકી મોટી આવક થઇ છે. ગત વર્ષે 1,37,733 પ્રવાસીઓએ હોળીના તહેવાર દરમ્યાન એસટી બસમાં મુસાફરી કરી હતી. ત્યારે આ વર્ષે 3,19,112 પ્રવાસીઓએ નિગમની બસમાં મુસાફરીનો લાભ લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસટી નિગમ દ્વારા તહેવારોમાં વધારાની બસો દોડાવવામાં આવે છે. જેથી લોકોને પરિવહની સુવિધાઓ મળી રહે. એસટી નિગમ પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને વોલ્વો બસ પણ દોડાવે છે. બે વર્ષથી કોરોનાને પગલે લોકો બહાર જવાનું ટાળતા હતા. જો કે, ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે સરકાર દ્વારા મોટાભાગના નિયંત્રણો પણ હટાવી લેવામાં આવ્યાં છે.