ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ ઈજનેરીના ગુજરાતી માધ્યમ માટે પુસ્તકો લોન્ચ કર્યા
અમદાવાદઃ ગુજરાતમાં ઈજનેરીનો અભ્યાસક્રમ પણ ગુજરાતી માધ્યમનો કરીને એક સરકારી કોલેજમાં એનો પ્રાયોગિક ધોરણે અમલ કરવામાં આવ્યો હતો. જો કે ગુજરાતી માધ્યમના અભ્યાસક્રમને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહતો.દરમિયાન જીટીયુ દ્વારા યુજીસીની ગાઈડલાઈન મુજબ એન્જિનિયરિંગના જુદા જુદા વિષયોના ગુજરાતી માધ્યના પુસ્તકો તૈયાર કરાયા છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે હવે ટેકનિકલ અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમના પુસ્તકો ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ થશે. આ માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ગુજરાતી માધ્યમના પુસ્તકો લોન્ચ કરવામાં આવ્યા છે.
જીટીયુના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ડિગ્રી એન્જિનિયરિંગ મળીને કુલ 20 જેટલા પુસ્તકો હાલ પ્રકાશિત થઈ ચૂક્યા છે. જે નવા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓના હાથમાં હશે. હાલના તબક્કે પહેલા વર્ષના તમામ પુસ્તકો તૈયાર થઈ ચૂક્યા છે, જ્યારે બીજા વર્ષના પુસ્તકો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગના 11 જેટલા પુસ્તકો અને ડિગ્રી એન્જિનિયરિંગના 9 જેટલા પુસ્તકોનું ગુજરાતીમાં અનુવાદ બાદ પ્રકાશિત થઈ ચૂક્યા છે. ગુજરાતની સરકારી ડિપ્લોમા કોલેજ અને એન્જિનિયરિંગ કોલેજના અંદાજે 50 જેટલા નિષ્ણાંત અધ્યાપકોની ટીમ દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અંગ્રેજીના કોર્સને ગુજરાતીમાં અનુવાદ કર્યા બાદ તેના રિવ્યુ માટે પણ ખાસ ટીમ બનાવવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, જુલાઈ 2021માં અંગ્રેજીમાંથી ગુજરાતી માધ્યમમાં પુસ્તકો અનુવાદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિમાં જે-તે રાજ્યની સ્થાનિક માતૃ ભાષામાં અભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેને લઈને અત્યાર સુધીમાં કુલ 13 જેટલી અલગ અલગ પ્રાદેશિક ભાષાઓમાં એન્જિનિયરિંગ અને ટેકનોલોજીનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. ગત વર્ષે GTU દ્વારા એન્જિનયરિંગનો કોર્ષ ગુજરાતી ભાષામાં શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ GTUનો આ પ્રયોગ નિષ્ફળ થયો હતો તે માટેનું એક કારણ એ પણ હતું કે, GTU પાસે એન્જિનિયરિંગના પુસ્તકો ગુજરાતીમાં નહોતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા પણ મળી નહોતી. આ વર્ષે GTU દ્વારા અગાઉથી તૈયારીના ભાગરૂપે પુસ્તકો ગુજરાતીમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. નવી શિક્ષણ નીતિ અનુસાર આ વર્ષે પણ ગુજરાતી માધ્યમમાં એન્જીનિયરિંગના કોર્ષમાં એડમિશન આપવામાં આવશે.