ગુજરાતઃ શહેરી વિસ્તારોના જળ સંસાધનોમાં 92.97 MLDનો વધારો
ગાંધીનગર, 06 જાન્યુઆરી, 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં દૈનિક પાણી પુરવઠો અને સલામત પીવાના પાણીની સમાન પહોંચ સુનિશ્ચિત કરીને રાજ્યને ટકાઉ શહેરી પાણી વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય મોડેલ તરીકે સ્થાપિત કરવાની નેમ રાખે છે. આ જ ઉદ્દેશ્યથી શહેરી વિકાસ વર્ષ 2025 દરમિયાન રાજ્યના શહેરી વિસ્તારોના જળ સંસાધનોમાં 92.97 MLDનો અને ટ્રાન્સમિશન સિસ્ટમ્સમાં 528. 35 કિમીનો વધારો કરવામાં આવ્યો છે. વધુમાં, મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં દૈનિક ધોરણે પાણી પુરવઠો પહોંચાડવા માટે ‘મિશન ડેઇલી વૉટર સપ્લાય’ જેવી પહેલ અમલી કરવામાં આવી રહી છે. મિશન ડેઇલી વૉટર સપ્લાય હેઠળ રાજ્ય સરકાર વિવિધ વૉટર સપ્લાય અને સેનિટેશન સંબંધિત પ્રોજેક્ટ્સ/પહેલો હાથ ધરવા માટે શહેરી સ્થાનિક સંસ્થાઓને સહાય પૂરી પાડે છે.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 2025નું વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, અને આ વર્ષ દરમિયાન રાજ્ય સરકાર શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
- હાલ રાજ્યના 103 શહેરોમાં દૈનિક ધોરણે પાણી પુરવઠો પહોંચે છે
ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને પહેલો હેઠળ ગુજરાતના 103 શહેરોમાં દૈનિક ધોરણે પાણી પુરવઠો પહોચાડવામાં આવી રહ્યો છે. બાકી રહેલા શહેરો પૈકી 30 શહેરોમાં વિવિધ યોજનાઓ હેઠળ પાણી પુરવઠાનાં કામો પ્રગતિ હેઠળ છે. રાજ્યની બાકીની 32 સ્થાનિક સંસ્થાઓમાં દૈનિક ધોરણે પાણી પુરવઠો મળી રહે તે માટે મિશન ડેઇલી વૉટર સપ્લાય લાગુ કરવામાં આવી રહ્યું છે, જે હેઠળ વિવિધ ઘટકો માટેનાં કામોનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરી વિસ્તારોમાં પાણીના સમાન વિતરણ અને અન્ય જળ સંસાધન સંબંધિત સેવાઓનું ડિજિટલ મોનિટરિંગ કરવા માટે મુખ્ય મહાનગરોમાં SCADA સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમ લીક ડિટેક્શન, લો પ્રેશર પોકેટ, NRW (નોન-રેવેન્યુ વૉટર)માં ઘટાડો, જરૂરી દબાણ સાથે માથાદીઠ પુરવઠામાં સુધારો, જરૂરી પમ્પિંગ કાર્યક્ષમતા સાથે પમ્પિંગ સ્ટેશનનું નિરીક્ષણ, વાલ્વ મોનિટરિંગ વગેરેમાં મદદ કરે છે. આ સિસ્ટમને કારણે નોન રેવેન્યુ વૉટરને લીધે થતા નુકસાનમાં ઘટાડો થયો છે, તેમજ પાણીના સમાન વિતરણ અને અન્ય જળ સંસાધન સેવાઓનું રિયલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બન્યું છે.
ઉલ્લેખનીય છે કે, ડેઇલી વૉટર સપ્લાય મિશન તેમજ પાણી પુરવઠા સંબંધિત અન્ય યોજનાઓ અને પહેલોના અમલીકરણ થકી સામાન્ય લોકોને દરરોજ પીવાલાયક પાણી મળી રહેશે, જેનાથી લાંબા સમયગાળા માટે પાણીનો સંગ્રહ કરવાની જરૂર રહેશે નહીં. દરરોજ પીવાનું પાણી મળી રહેવાથી પાણીના અન્ય સ્ત્રોતો પરની નિર્ભરતા પણ ઘટશે. શહેરોના સુગઠિત અને આયોજનપૂર્વકના વિકાસથી શહેરોમાં વસતા નાગરિકો ‘ઇઝ ઓફ લિવિંગ’ નો અનુભવ પ્રદાન કરવા માટે રાજ્ય સરકારનો શહેરી વિકાસ વિભાગ પ્રતિબદ્ધ છે.


