1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાયન્સ સિટી ખાતે હેમ ફેસ્ટ ઇન્ડિયા 2023નો પ્રારંભ: 800થી વધુ હેમ રેડિયો ઓપરેટર ભાગ લેશે
સાયન્સ સિટી ખાતે હેમ ફેસ્ટ ઇન્ડિયા 2023નો પ્રારંભ: 800થી વધુ હેમ રેડિયો ઓપરેટર ભાગ લેશે

સાયન્સ સિટી ખાતે હેમ ફેસ્ટ ઇન્ડિયા 2023નો પ્રારંભ: 800થી વધુ હેમ રેડિયો ઓપરેટર ભાગ લેશે

0
Social Share

અમદાવાદઃ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ગુજરાત સાયન્સ સિટી ખાતે હેમ ફેસ્ટ ઇન્ડિયા 2023નો પ્રારંભ કરાવ્યો હતો. સાયન્સ સિટી ખાતે બે દિવસીય હેમ રેડિયો ફેસ્ટિવલમાં દેશભરમાંથી 800થી વધુ હેમ રેડિયો ઓપરેટર ભાગ લેશે. હેમ ફેસ્ટ ઇન્ડિયા-2023ના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે,  માનવજાત પર આવતી કુદરતી આફતોના સમયમાં અને બધી જ ટેક્નિકલ સિસ્ટમ ફેઇલ થઈ ગઈ હોય તેવા સમયે પ્રત્યાયન માટે હેમ રેડિયો વરદાનરૂપ સાબિત થાય છે.  હેમ રેડિયો ઓપરેટર એટલે કે ‘હેમ્સ’ એ એક એવી કમ્યૂનિટી છે, જે ધરતીકંપ, પૂર, વાવાઝોડા જેવા કપરાં સમયમાં લોકોની મદદ માટે ખડે પગે તૈયાર હોય છે. રાજ્યમાં આવેલા કચ્છના ધરતીકંપ સમયે તથા તાઉતે અને બિપરજોય વાવાઝોડાના સમયમાં હેમ્સ દ્વારા પ્રત્યાયનમાં મદદ પૂરી પાડવામાં આવી હતી, એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય સંચાર મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલા વિવિધ રિફોર્મ્સ અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે, દેશમાં સંચાર ક્ષેત્રે જરૂરી સુધારા વધારા દ્વારા સિસ્ટમને નવો ઓપ આપવામાં આવ્યો છે અને ‘સિટિઝન સેન્ટ્રિક સિસ્ટમ’ બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિફોર્મ સાથે પરફોર્મ કરવાની ઇચ્છાશક્તિ સાથે ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ અને ‘ઈઝ ઓફ લિવિંગ’ના મંત્ર સાથે સિટિઝન સેન્ટ્રિક ગવર્નન્સ અમલી બનાવ્યું છે.

કેન્દ્ર સરકારના ટેકનોલોજી અને સંચાર વિભાગે જરૂરી રિફોર્મ્સ કરીને સંચારને સરળ બનાવ્યું છે તથા હેમ રેડિયોના વિસ્તરણ પ્રોત્સાહન અને લોકજાગૃતિ માટે જરૂરી પગલાં લીધાં છે. જેના ભાગરૂપે આ વર્ષે 500 જેટલા હેમ માટે એક્ઝામિનર અપ્લાય થયા અને 350 જેટલા હેમ દ્વારા આ પરીક્ષા પાસ કરવામાં આવી તથા તેમને પોતાના સર્ટિફિકેટ પણ મળી ગયા છે. આજે કેન્દ્ર સરકાર દ્વારા 5G સ્પેક્ટ્રમનું ઓક્શન ફેસલેસ કરવામાં આવી રહ્યું છે,જે સૌ પ્રથમ વખત થઈ રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશમાં હેમ રેડિયોની જરૂરિયાત વિશે વાત કરતા કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું કે, જાપાન દેશમાં આજે એક લાખથી વધુ હેમ કાર્યરત છે. આપણા દેશમાં હજુ વધારે લોકજાગૃતિ થકી આવનારા સમયમાં દેશના દરેક ગામમાંથી એક હેમ રેડિયો ઓપરેટર હોય તે માટેના જરૂરી પ્રયત્નો કરવામાં આવશે. આવનારા સમયમાં શાળાકીય શિક્ષણમાં જ સાયન્સ અને ટેકનોલોજીના વિષયોમાં હેમ રેડિયો વિશે બાળકોને ભણાવવામાં આવે અને દેશમાં આવનારા સમયમાં અને આવનારી કુદરતી આપત્તિઓ માટે હેમ રેડિયો ઓપરેટરની એક મોટી ટીમ તૈયાર થાય તે માટે ચોક્કસ દિશામાં પ્રયત્નો કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણે હેમ રેડિયો સંબંધિત એક્ઝિબિશનનો પ્રારંભ કરાવ્યો હતો તથા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 10થી વધુ ટેકનિકલ વર્કશોપ,10થી વધુ સેશન અને 20થી વધુ સ્ટોલ દ્વારા હેમ રેડિયોની ઉપયોગિતા, રજિસ્ટ્રેશન સહિત ટેક્નિકલ બાબતો અંગે રસપ્રદ નોલેજ શેરિંગ કરવાનો અને લોકજાગૃતિ ફેલાવવાનો હેમ ફેસ્ટ ઇન્ડિયા 2023નો મુખ્ય હેતુ છે. ‘હેમફેસ્ટ ઈન્ડિયા’ એ હેમ રેડિયો ઓપરેટરનું સૌથી મોટું વાર્ષિક ‘ગેટ ટુ ગેધર’ છે, જે દર વર્ષે દેશભરનાં વિવિધ શહેરોમાં યોજાય છે. વર્ષ 2023 માટે હેમફેસ્ટ ઇન્ડિયાનું આયોજન ગુજરાત સાયન્સ સિટી ખાતે કરાયું છે. આ પ્રસંગે દેશભરમાંથી મોટી સંખ્યામાં હેમ રેડિયો ઓપરેટર અને હેમફેસ્ટ ઇન્ડિયાના વિવિધ કમિટીના સભ્યો સહિત રેડિયો સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓના સભ્યો સહભાગી બન્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code