સુરત, 10 જુલાઈ 2026 : Harsh Sanghavi holds a high-level meeting in review the creek flooding situation. શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં ખાડી પૂરના કારણે ઘણીબધી દુકાનો કે વ્યાપારી એકમોને નકસાન થયું હતું. અને પૂરના પાણી લોકોના ઘરોમાં ભરાયા હતા. હવે સ્થિતિ થાળે પડતી જાય છે. સરકાર દ્વારા રાહત કારગીરી હાથ ધરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગત મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજીને પૂર રાહત અંગે મોટી જાહેરાતો કરી હતી. આ બેઠકમાં સરકારનો મુખ્ય ભાર પ્રભાવિત વિસ્તારોમાં ઝડપી સર્વે અને કેશડોલ ચૂકવણી પર રહ્યો હતો. અત્યાર સુધીમાં યુદ્ધના ધોરણે કામગીરી કરીને કુલ 9100 પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 800થી વધુ પરિવારોને રૂપિયા 6,800 લેખે ઘરવખરી નુકસાની અને કેશડોલની સહાય સીધી ચૂકવી દેવામાં આવી છે. બાકી રહેલા તમામ અસરગ્રસ્ત પરિવારોને આજે મોડી સાંજ સુધીમાં તેમની સોસાયટીઓ સુધી પહોંચીને રોકડ સહાય આપી દેવા માટે વહીવટી તંત્રની જુદી જુદી ટીમો મેદાનમાં ઉતારી દેવામાં આવી છે.
સુરત શહેરમાં યોજાયેલી ઉચ્ચસ્તરિય બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ બેઠકમાં સ્પષ્ટ આદેશ આપ્યા હતા. કે પૂરની થપાટ ખમનારો એક પણ નાગરિક સરકારી સહાયથી વંચિત રહેવો જોઈએ નહીં. આ હેતુથી શહેરના તમામ ઝોનલ અધિકારીઓને ઇન્ચાર્જ તરીકે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. અત્યાર સુધી થયેલા સર્વે ઉપરાંત, જો હજુ પણ કોઈ સોસાયટી કે વિસ્તાર રહી ગયો હોય તો ત્યાં તાત્કાલિક ટીમ મોકલવાની સૂચના અપાઈ છે. કોઈપણ રહી ગયેલી સોસાયટી કે નાગરિક કલેક્ટર કચેરી ખાતે ઊભા કરાયેલા કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરીને પોતાના વિસ્તારની માહિતી આપી શકે છે, જેથી વહીવટી ટીમ તુરંત ત્યાં પહોંચીને સર્વેની કામગીરી પૂર્ણ કરશે.
શહેરમાં ખાડી પૂરને લીધે વેપારી વર્ગને થયેલા મોટા નુકસાન અંગે પણ સરકારે ગંભીરતા દાખવી છે. પૂરના કારણે જેમની દુકાનો કે વ્યાપારી એકમો ધોવાઈ ગયા છે. તેમના માટે શહેરના 58 જેટલા મુખ્ય વાણિજ્યિક વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમ-જેમ નવી માહિતી મળી રહી છે તેમ ડેટા અપડેટ કરાઈ રહ્યો છે. કોમર્શિયલ સેક્ટરમાં થયેલા નુકસાનના આધારે આવનારા દિવસોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક વિશેષ પોલિસી જાહેર કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વેપારીઓને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે આ આખું સર્વે કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ પોલિસીનો અમલ તાત્કાલિક થાય તે માટેની વહીવટી તૈયારીઓ આજથી જ શરૂ કરી દેવામાં આવી છે.

