1. Home
  2. ગુજરાતી
  3. શું બાળ દિવસ આજે એનો અર્થ સાચવી શક્યો છે?
શું બાળ દિવસ આજે એનો અર્થ સાચવી શક્યો છે?

શું બાળ દિવસ આજે એનો અર્થ સાચવી શક્યો છે?

0
Social Share

આજે ભારતમાં બાળ દિવસ ઉજવાય છે. 14 નવેમ્બર એટલે આપણા પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. વર્ષ 1889માં જન્મેલા જવાહરલાલ નહેરુને બાળકો અતિ પ્રિય હતા, તો બાળકોમાં પણ તે એટલા જ પ્રિય હતા અને તેથી બાળકોમાં તેઓ ‘નહેરુ ચાચા’ તરીકે પ્રખ્યાત હતા. અને તેથી જ ભારતીય સંસદે તેમના નિધન પછી વર્ષ 1965માં તેમના જન્મદિવસને ‘બાળ દિવસ’ તરીકે ઉજવવાનો નક્કી કર્યો.

વિશ્વમાં અને ભારતમાં સૌ પ્રથમ વાર 1954ના વર્ષમાં બાળદિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી. ખાસ તો આ દિવસની સ્થાપના બાળકોમાં સમજણ અને સાંપ્રદાયિક આદાનપ્રદાનને વિકસિત કરવાના હેતુસર કરવામાં આવી હતી. સાથે જ વિશ્વમાં બાળકોના કલ્યાણની ભાવનાને ઉજાગર કરવામાં અને લોકોમાં બાળકોના હિત વિષે જાગૃતિ લાવવા માટે પણ આ દિવસને નક્કી કરવામાં આવ્યો. યુ.એન. દ્વારા જાહેર કરાયેલા ‘વિશ્વ બાળદિવસ’ તરીકે 20 નવેમ્બરના રોજ ઉજવાતો હતો. કારણ કે યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકૃત બાળકોના હકોની ઘોષણા આ દિવસે કરવામાં આવી હતી. જેને યાદ કરીને 1959થી આ દિવસ ઉજવવાનો નક્કી કરવામાં આવ્યો. વર્ષ 1989 માં કુલ 191 દેશો દ્વારા બાળહકોના કરાર પર આ દિવસે હસ્તાક્ષર કરીને તેને માન્યતા પણ આપવામાં આવી.

બાળકોના વ્હાલા ચાચાને યાદ કરીને બાળદિવસ તો ઉજવવાનો નક્કી થઈ ગયો, પણ આજે આટલાં વર્ષો પછી શું ભારતના લોકો સાચા અર્થમાં આ બાળદિવસનો મહિમા સમજી શક્યા છે ખરા? શું બાળકોને આ દેશમાં પોતાના દિવસની ઉજવણી વિષે ખ્યાલ છે ખરો? શાળા-કોલેજોમાં આ દિવસની ઉજવણી જરૂર કરવામાં આવે છે, પણ આ દિવસના સંદર્ભે બાળકોનું ભવિષ્ય ભારત દેશમાં સલામત છે ખરું??!

ભારતમાં બાળદિવસે ઘણા કાર્યક્રમો થાય છે અને બાળકોને મનગમતી ચોકલેટ અને રમકડાં આપીને જાણે આ દિવસ ઉજવી કઢાય છે. બાળદિવસનો અસલી હેતુ બાળકોને સુરક્ષા અને પ્રેમભર્યું વાતાવરણ પૂરું પાડવાનો છે, જેનાથી તેઓ એક સોનેરી ભવિષ્ય તરફ આગલ વધી શકે! પણ આવા એક દિવસની ઉજવણી એ બાળકોની ખુશી છે? અને આ બાળકો એટલે કયા બાળકો? આપણા સંવિધાનમાં બાળકો માટેના વિશેષ અધિકારોની પણ જોગવાઈ કરવામાં આવી છે પણ છતાંય આજે બાળદિવસે સહજ એક પ્રશ્ન થાય કે શું બાળકો આપણા દેશમાં તેમના હકો અને અધિકારો સાથે પૂરતી સુરક્ષા ભોગવે છે? શું બાળકોને તેમના શારીરિક અને માનસિક વિકાસની પૂરતી તકો મળી રહી છે ખરી? શું ભારત વિશ્વ કક્ષાએ પોતાના દેશના બાળકોનો યોગ્ય રીતે ઉછેર કરી રહયું છે? ભારત પાસે બાળકોના વિકાસ માટેના પૂરતા સંસાધનો પ્રાપ્ય છે? બાળકો દરેક દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે ત્યારે તે બાળકોના ભવિષ્યની દેશને કેટલી ચિંતા છે? અને શું બાળકોને દેશમાં સુરક્ષા, સલામતી અને વિકાસની જરૂરી તકો મળી રહી છે, ખરી? બાળદિવસ જે ઉદ્દેશ્યથી ઉજવવાનો શરૂ કરવામાં આવ્યો હતો તે, બાળકોની પાયાની જરૂરિયાતોને ઓળખીને, તેમના અધિકારોની રક્ષા અને તેમના શોષણને રોકવાના ઉપાયો કરીને બાળકોના સમગ્ર વિકાસની તકો આપણે ઊભી કરી શક્યા છીએ?!

ચાલો થોડા એવા જ પાયાના પ્રશ્નો પર નજર કરીએ. બાળકોને લગતાં કેટલાક એવા મૂળ પ્રશ્નો છે, જેમાં સૌથી પહેલાં ધ્યાન આપવા જેવું છે. જો કે બાળકો માટેની નવી નવી યોજનાઓ તો ચોક્કસ બનાવીને અમલી કરવામાં આવે છે પણ છતાં ભારતના દરેક બાળક સુધી આ યોજનાઓ પહોંચી શકતી નથી અને તેના કારણે બાળકોનો યોગ્ય વિકાસ કે તેમની સલામતી જળવાઈ શકી નથી તે એક હકીક્ત છે!
સૌથી પહેલાં આવે છે બાળકોનો જન્મદર. વિશ્વની તુલનામાં ભારતમાં બાળજન્મ અને બાળમૃત્યુનો આંકડો ચોંકાવનારો છે. ભારતમાં દર હજારે 17.23 એ બાલ જન્મદર છે અને 2011 ની વસ્તી ગણતરી મુજબ બાલ મૃત્યુદર દર હજારે 47 છે. આનું કારણ છે આવનાર બાળકના જન્મ સમયે દાખવવામાં આવતી બેકાળજી અને માતાને મળતું અપૂરતું પોષણ, પ્રસૂતિ માટેની અપૂરતી વ્યવસ્થાઓ તથા બાળકના જન્મ સાથે જ તેને આપવાની પ્રાથમિક સારવારનો અભાવ. આવા સાવ સામાન્ય કારણોસર બાળમૃત્યુ થતાં જોવા મળે છે. આ માટેની જરૂરી યોજનાઓ અમલી તો બની છે પણ ભારતમાં ખૂણે ખૂણે એ હજીય પહોંચી શકી નથી તેનો રંજ કરવો રહ્યો.

બીજી તરફ આવે છે બાળકોનું પોષણ: પોષણ એ બાળકના વિકાસની સૌથી મહત્વની કડી છે. માતાના ગર્ભમાં બાળકને જે પોષણ મળે તે અને બાળકના જન્મ પછી શરૂઆતના પાંચ વર્ષ સુધી જો તેની પૂરતી કાળજી લેવામાં આવે તો બાળકના સ્વસ્થ રહેવાની સંભાવનાઓ વધી જાય છે. અહીં પણ બાળકના ઉછેરની યોગ્ય માહિતી અને જરૂરી સાવચેતીઓ વિષે માતાને પણ જાણકારી આપવી જરૂરી હોય છે, તથા બાળકને સમતોલ અને ઉંમર પ્રમાણે જરૂરી પોષણયુક્ત આહાર મળી રહે તે જોવાની તકેદારી લેવાની હોય છે. આ માટે ઘણી યોજનાઓ અમલી બનેલી છે, જે મુજબ માતા અને નવજાત શિશુઓ તથા પાંચ વર્ષના બાળકોને તથા શાળાએ જતાં ચૌદ વર્ષના બાળકો એમ દરેક શ્રેણી મુજબ બાળકોના પોષણની યોગ્ય વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આમ છતાં ભારતના બાળકોમાં કુપોષણ જોવા મળે છે, જેનો અર્થ કે યોગ્ય જગ્યાએ યોગ્ય સેવાઓ પહોંચી શકતી નથી.

પોષણ પછી આવે છે શિક્ષણ: પોષણ પછી યોગ્ય ઉંમરે યોગ્ય શિક્ષણ પણ બાળકોનો મૂળભૂત આધિકાર છે. છ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે અને શાળાના વાતાવરણમાં બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે પણ યોજનાઓ અમલી તો બની છે પણ છતાં અમુક રાજ્યોમાં અમુક કારણોસર ડ્રોપ આઉટ રેશિયો તો વધી જ રહ્યો છે.ભારતમાં હાલમાં આ દર 14.6 ટકાનો છે. બાળકોને શાળાએ મોકલવાની જગ્યાએ મજૂરી કરાવવામાં આવે છે અને ક્યારેક માતાપિતાનું મૃત્યુ થતાં પણ બાળકો યોગ્ય આયોજનના અભાવે શિક્ષણથી વંચિત રહી જાય છે!

શિક્ષણ પછી આવે છે બાળમજૂરી અને શોષણ: ગરીબી એ સતત વધતો જતો એક એવો રોગ છે કે તેના ભરડામાં નાના કુમળા બાળકો પણ આવી જાય છે. યોગ્ય કામના અભાવે અને પરિવારની વધતી સંખ્યાના કારણે ક્યારેક બાળકો ખૂબ નાની ઉંમરથી મજૂરી કરવા લાગે છે અને તેના કારણે બાળક યોગ્ય શિક્ષણથી વંચિત રહી જાય છે. ક્યારેક માત્ર મજૂરી નહીં પણ બાળકોનું શોષણ પણ થતું હોય છે. બાળકોની સુરક્ષા મુજબના ધારાધોરણોને ઉવેખીને બાળકો પાસે કામ લેવામાં આવે છે અને બાળક આવા શોષણનો ભોગ બની જાય છે.

આ બધાં સાવ પાયાના પ્રશ્નો છે, જે સતત અને યોગ્ય આયોજન કરવા છતાં યોગ્ય ઉકેલની રાહ જુએ છે! આ તો વાત થઈ ભારતના સામાન્ય વર્ગના બાળકોની સલામતી, પોષણ અને શિક્ષણની. હવે બીજી તરફ જોઈએ તો બીજો વર્ગ એવો છે જે ભારતના બાળકોને જરૂરી સુવિધાઓ તો ચોક્કસ પૂરી પાડે છે પણ બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સલામતીની માટે તેની પાસે કોઈ ખાસ પાયાની માહિતી નથી જ અને તેથી આવા બાળકો પણ ચિંતાનો વિષે તો છે જ! આજના સમયનું સૌથી મોટું દૂષણ એટલે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ અને ટેકનોલોજીનું આંધળું અનુકરણ! મોટા ભાગના નોકરિયાત માતાપિતા પોતાના બાળકોને પૂરતો સમય નથી આપી શકતાં અથવા તો તેઓ પણ બાળકોને ટેકનોલોજીના સહારે સામેથી જ મોકલી આપે છે અને પોતાના હાથે જ બાળકોના કુમળા બાળમાનસને જાણે અજાણ્યે પીંખી રહ્યા છે. ઈન્ટરનેટના માધ્યમથી આજે બાળકો દરેક વાતે પોતે વિચારવાની જગ્યાએ જાણે ગૂગલનો સહારો લેતા થઈ ગયા છે, બહાર જઈને રમવાની રમતો છોડીને એકધાર્યું બેસીને કોમ્પુટર અને મોબાઈલ ગેમના રવાડે ચઢી ગયા છે, ત્યારે યોગ્ય શિક્ષણ અને પોષણ છતાં આ બાળમાનસ પર કેટલી ખરાબ અને વિચલિત અસર પડી રહી છે, તેનો કોઈ અંદાજ લગાવવો મુશ્કેલ છે!

આમ આવા તો કેટલાય પ્રશ્નો આજે બાળદિવસે સામે આવી રહ્યા છે, કે શું સાચા અર્થમાં ભારતનું બાળમાનસ ભારતના ઉજ્જવળ ભવિષ્યને પોતાના ખભે ઉપાડવા તૈયાર છે ખરું?!!! અને આનો ઉપાય પણ તો આપણા જ હાથમાં છે ને! જરા આજુબાજુ નજર ફેલાવીશું તો ચોમેર આવા ઊગતાં બાળકો દેખાઈ આવશે, જેમને જરૂર છે પ્રેમની, હૂંફની, પોષણ અને શિક્ષણની અને સાચા રસ્તે આગળ વધવા માટે જરૂરી પ્રેરણાની! તો ચાલો આજે શરૂઆત કરીએ એક નવા અધ્યાયની અને ભારતના સુવર્ણ ભવિષ્યના સોનેરી બીજ રોપવાની!

એક છેલ્લી વાત નિદા ફાજલીના શબ્દોમાં,
“ઘર સે મસ્જિદ હૈ બહુત દૂરં ચલો યું કર લેં,
કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code