Site icon Revoi.in

રાજકોટમાં ગોપવંદના શાકમાર્કેટના હોકર્સએ ગેરકાયદે પાર્કિંગના પ્રશ્ને મ્યુનિ.સામે ઘરણા કર્યા

Social Share

રાજકોટ, 22 જાન્યુઆરી 2026:  શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલા ગોપવંદના શાકમાર્કેટ હોકર્સ ઝોનમાં ગેરકાયદેસર થતા પાર્કિંગને લીધે વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે અગાઉ મ્યુનિ અને ટ્રાફિક પોલીસને રજુઆત છતાં કોઈ પલા ન લેવાતા આજે સ્થાનિક અગ્રણી નરેશ ગઢવીની આગેવાનીમાં વેપારીઓ દ્વારા મ્યુનિના પ્રાંગણમાં શાકભાજી પાથરી અનોખો વિરોધ કર્યો હતો. વેપારીઓ દ્વારા ગળામાં પ્લાસ્ટિકની મોટરકાર પહેરી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માંગ કરવામાં આવી હતી. તેમજ માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર આવેલા ગોકુલધામ પાસે શાકભાજીના વેચાણ માટે ‘ગોપવંદના હોકર્સ ઝોન’ આવેલો છે. આ માર્કેટમાં અંદાજે 150થી 200 જેટલા નાના વેપારીઓ અને ફેરિયાઓ પોતાનો ધંધો કરી ગુજરાન ચલાવે છે. વેપારીઓનો આરોપ છે કે, આ હોકર્સ ઝોનની આસપાસ અને માર્કેટની અંદર અસામાજિક તત્વો અને અન્ય લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ફોર-વ્હીલર વાહનોનું પાર્કિંગ કરવામાં આવે છે. આ આડેધડ પાર્કિંગને કારણે ગ્રાહકોને માર્કેટમાં આવવામાં ભારે મુશ્કેલી પડે છે, જેના કારણે વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર પડી રહી છે.

સ્થાનિક અગ્રણી નરેશ ગઢવીની આગેવાનીમાં  મોટી સંખ્યામાં શાકભાજીના વેપારીઓ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન કચેરીએ ઉમટી પડ્યા હતા. વેપારીઓએ મ્યુનિના પ્રાંગણમાં જ રીંગણા, બટેટા અને અન્ય શાકભાજી પાથરી દીધા હતા. આટલું જ નહીં, ટ્રાફિકની સમસ્યા કેટલી ગંભીર છે તે દર્શાવવા માટે વેપારીઓએ પોતાના ગળામાં પ્લાસ્ટિકની રમકડાંની કારનો હાર પહેરીને વિરોધ કર્યો હતો. તેમજ વેપારીઓએ સૂત્રોચ્ચાર કરીને મ્યુનિ. તંત્ર અને પોલીસ પ્રશાસન સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

નરેશ ગઢવીએ જણાવ્યું હતું કે, ગોપવંદના હોકર્સ ઝોનમાં 150થી 200 લોકો ધંધો કરે છે. અહીં આસપાસના લોકો દ્વારા ગેરકાયદેસર રીતે ફોર-વ્હીલર પાર્ક કરી દેવામાં આવે છે. વેપારીઓ જ્યારે આ બાબતે અટકાવે છે ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાય છે. અમે અવારનવાર કોર્પોરેશન અને પોલીસને રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. આજે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.

Exit mobile version