
- મ્યુનિએ લોટસ સ્કૂલ પાસેથી શાક માર્કેટ હટાવીને પ્રહલાદનગરમાં જગ્યા ફાળવી,
- શાકભાજીના વેપારીઓ જોધપુરમાં જગ્યા ફાળવવાની માગ કરી રહ્યા છે
- મ્યુનિનો દાવો, AMC પ્લોટમાં કાયમી જગ્યા ફાળવી શકાય નહીં
અમદાવાદઃ શહેરના જોધપુર વિસ્તારમાં લોટસ સ્કૂલ અને રિદ્ધિ ટાવર પાસે છેલ્લા ઘણા સમયથી સાંજના સમયે શાકમાર્કેટ ભરાતી હતી. પણ થોડા સમય પહેલા મ્યુનિના સત્તાધિશોએ શાક માર્કેટ હટાવી લેતા શાકભાજીના હોકર્સ બેરોજગાર બન્યા છે. મ્યુનિ. દ્વારા શાકભાજીના હોકર્સને પ્રહલાદનગરમાં મ્યુનિના પ્લોટમાં જગ્યા ફાળવવામાં આવી હતી. ફેરિયાઓ ગયા પણ ખરા, પરંતુ આ વિસ્તાર એવો છે કે શાકભાજીની ખરીદી કરવા કોઈ આવતુ નહોતું. હવે શાફભાજીના હોકર્સ જોધપુર વિસ્તારમાં મ્યુનિ પ્લોટ્સમાં જગ્યા ફાળવાની માગ કરી રહ્યા છે. આ માગણી માટે શાકભાજીના હોકર્સનું છેલ્લા 78 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે.
શહેરના જોધપુર વિસ્તારમાં લોટસ સ્કૂલ અને રિદ્ધિ ટાવર પાસે રોડ પર શાકભાજી વેચનારા 186થી વધુ શાકભાજી માર્કેટના વેપારીઓ દ્વારા છેલ્લા 78 દિવસથી આ વિસ્તારમાં જ મ્યુનિના પ્લોટમાં જગ્યા ફાળવવામાં આવે તેવી માગ સાથે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જોધપુર લોટસ સ્કૂલ પાસે ઉભા રહેતા આ તમામ લારીઓવાળાને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રહલાદનગર ગાર્ડનની બાજુમાં બનાવવામાં આવેલા વેજીટેબલ માર્કેટમાં ડ્રો કરી થડા ફાળવવામાં આવ્યા હતા. પરંતુ લારીઓ વાળાની માગ છે કે, આ વિસ્તારમાં તેમનો ધંધો થઈ શકે તેમ નથી. જેના કારણે આજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ ફાળવવની માગ સાથે આંદોલન પર બેઠા છે. મુખ્યમંત્રીથી લઇ સ્થાનિક ધારાસભ્ય અને એએમસીના સત્તાધિશોને રજૂઆત છતાં પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.
આ અંગે દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખે જણાવ્યું હતું કે, જોધપુર શાકમાર્કેટના વેપારીઓને પ્રહલાદનગર ગાર્ડનમાં થડા ફાળવવામાં આવ્યા છે. તેઓની માંગ છે કે, વેજીટેબલ માર્કેટમાં ધંધો થઈ શકે તેમ નહીં. જોકે, તેઓના માટે રોડ પર વેજીટેબલ માર્કેટના સાઈનબોર્ડ લગાવવાથી લઈ લોકો ત્યાં ખરીદી કરવા માટે આવે તેવું આયોજન કરવા માટે પણ કહ્યું છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં ઉભા રહી અને ધંધો કરવા દેવામાં આવે તેવી પોલિસી ન હોવાના કારણે અમે તેમને પરવાનગી આપી શકતા નથી. રોડ ઉપર ઉભા રહી અને ધંધો કરી શકે નહિ. શાકભાજી વાળાને પ્લોટમાં જગ્યા ફાળવવા મામલે સ્થાનિક રહીશો દ્વારા પણ વિરોધ કરવામાં આવે છે, જેના કારણે પ્રશ્નો ઊભા થાય છે. આ ઉપરાંત પ્લોટમાં કાયમી જગ્યા ફાળવવાની પોલિસી નથી.