
- એએમસીએ 3 વર્ષમાં 66.21 કરોડનો ખર્ચ કરીને 70.94 વૃક્ષો વાવ્યા હતા
- વાવેલા વૃક્ષોનું યોગ્ય જતન ન કરાતા વૃક્ષો બળી ગયા
- મ્યુનિની લાપરવાહીથી ગ્રીન કવર ઘટી રહ્યાનો વિપક્ષનો આક્ષેપ
અમદાવાદઃ શહેરમાં દરવર્ષે મોટાઉપાડે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. મ્યુનિ.કોર્પોરેશન, ગુજરાત યુનિવર્સિટી તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા પણ શહેરને હરિયાળુ બનાવવા માટે વૃક્ષો વાવવામાં આવતા હોય છે. પણ રોપાઓ વવાયા બાદ એની યોગ્ય માવજત કરવામાં ન આવતા રોપાઓ મુરઝાઈ જતા હોય છે. એએમસીએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષમાં 66.21 કરોડથી પણ વધુ રકમનો ખર્ચ કરી 70.94 લાખ વૃક્ષો રોપવામાં આવ્યા હતાં. જે વૃક્ષો પૈકી 49,11,344 જ હાલમાં બચ્યા છે. બાકીના 28,83,033 વૃક્ષો બળી ગયાં છે.
અમદાવાદ મ્યુનિના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યુ હતું કે, શહેરમાં ગ્રીન કવર વધારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા થ્રી મિલિયન ટ્રી મિશન તેમજ એક પેડ મા કે નામ અંતર્ગત વિવિધ પ્લોટ અને વિસ્તારોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે પરંતુ, આ વૃક્ષોનું યોગ્ય જતન ન થતું હોવાના કારણે વૃક્ષો બળીને ખાક થઈ ગયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં 66.21 કરોડથી પણ વધુ રકમનો ખર્ચ કરી 70.94 લાખ વૃક્ષો રોપવામાં આવ્યા હતાં. જે વૃક્ષો પૈકી 49,11,344 જ હાલમાં બચ્યા છે. બાકીના 28,83,033 વૃક્ષો બળી ગયાં છે. વૃક્ષારોપણ બાબતે ભાજપના સત્તાધીશો દ્વારા “એક પેડ માં કે નામ”નો નારો આપીને ફોટો સેશન કર્યા બાદ વૃક્ષારોપણનું પુરતું જતન કરવામાં નિષ્ફળ ગયા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે. ઉનાળામાં શહેરના તાપમાનમાં વધારો થઈરહ્યો છે. ત્યારે શહેરમાં ગ્રીનરી વધારવાના પ્રયાસો કરાતા નથી. મ્યુનિએ શહેરનું ગ્રીન કવર 12 ટકાથી 15 ટકા વધારવા માટે લક્ષ્યાંક નક્કી કરી 30 લાખથી વધારે વૃક્ષો વાવવા માટે મિશન ટ્રી નામ આપવામાં આવ્યું હતું,. છેલ્લા 3 વર્ષમાં કુલ 66.21 કરોડના 394 કામો કોન્ટ્રાકટરોને આપવામાં આવ્યાં હતાં. જે કામો પૈકી 71 કામો સિંગલ ટેન્ડરથી અને 323 કામો કવોટેશનથી આપવામાં આવ્યા હતા. જે વૃક્ષો વાવવામાં આવ્યા હતા એનું યોગ્ય જતન ન કરવાના કારણે તેમાં વૃક્ષો બળી ગયા તેને લઈને એક પણ કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવ્યો નથી. ગ્રીન સિટી અને ક્લીન સીટીની માત્ર વાતો કરવામાં આવે છે પરંતુ જે વૃક્ષો વાવવામાં આવ્યા છે તે વૃક્ષોનું યોગ્ય જતન ન કરવાથી વૃક્ષો બળી જતા કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે.