Site icon Revoi.in

ભાવનગર જિલ્લામાં બે લાખ વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ

Social Share

ભાવનગરઃ રાજ્યમાં શાળાઓના બાળકોને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) અંતર્ગત આરોગ્ય તપાસણી કરવામાં આવતી હોય છે. ભાવનગર જિલ્લામાં પણ એક વર્ષ દરમિયાન જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી જેમાં 60 બાળકને હૃદય, 14ને કિડની અને 18ને કેન્સરની ગંભીર બીમારી જોવા મળી આવી હતી. આ બાળકોને સરકારને ખર્ચે સારવાર આપવામાં આવી રહી છે.

ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) અંતર્ગત ઓક્ટોબર-2024થી ફેબુ્રઆરી-2025 દરમિયાન આંગણવાડીઓ અને શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 60 બાળકને હૃદય, 14ને કિડની અને 18ને કેન્સરની ગંભીર બીમારી જોવા મળી આવી હતી.

આ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં કુલ 34 ટીમ કાર્યરત છે. જેના દ્વારા વીતેલા પાંચ માસના સમયગાળા દરમિયાન 1412 આંગણવાડી અને 365 શાળામાં બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ આરોગ્ય ચકાસણી દરમિયાન આંગણવાડીઓના 1,00,742 બાળકોને અને શાળાઓના 1,01,179 બાળકના સ્વાસ્થ્યની ચકાસણી કરાઈ હતી. જેમાં હૃદય, કિડની અને કેન્સર સહિતની ગંભીર બીમારી ધરાવતા બાળકો મળ્યા હતા. જેમની હવે સઘન સારવાર હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ જિલ્લામાં તપાસવામાં આવેલ કુલ બાળકોમાંથી ક્લબ ફૂટ (વાંકાચૂકા પગ) ધરાવતા 23 બાળક, ફાટેલું તાળવું હોય તેવા 2 બાળક, ફાટેલા હોઠવાળા 3 બાળક, હૃદયની બીમારી ધરાવતા 60 બાળક, બધીરતા ધરાવતા 6 બાળક, જન્મજાત કરોડરજ્જુની તકલીફ ધરાવતા 4 બાળક, કિડનીની બીમારી ધરાવતા 14 બાળક, કેન્સરની બીમારી ધરાવતા 18 બાળક, ડાઉન સિન્ડ્રોમ ધરાવતા 5 બાળક, ચામડીની બીમારી ધરાવતા 2954 બાળકો અને અન્ય ગંભીર બીમારી ધરાવતા 7 બાળક મળ્યા હતા.  જિલ્લામાં આંગણવાડી અને શાળાઓના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી તેમાં 10,019  બાળકના હિમોગ્લોબિન (એચબી)ની જે તપાસ કરાઈ હતી. જેમાં એનિમિયા હોય તેવા બાળકોની સંખ્યા 3459  રહી હતી. અતિ કુપોષિત બાળકોની સંખ્યા 1211 નોંધાઈ હતી.  બાળકોની આરોગ્ય તપાસણી થઈ તેમાં 1 બાળકને જન્મજાત મોતિયો હોવાનું જણાયું હતું તો 1857  બાળકને આંખનો રોગ હોવાનું બહાર આવ્યું હતું.   વીતેલા પાંચ માસ દરમિયાન બાળકોની કરાયેલી આરોગ્ય તપાસ દરમિયાન 3891  બાળકને દાંતની અને 112 બાળકને કાન-નાક-ગળાની બીમારી હોવાનું જણાયું હતું. (File photo)