અમદાવાદ, 11 મે 2026: scorching heatwave continues રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. આજે અમરેલી, રાજકોટ, વડોદરા અને કેશોદ સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાં પણ આજે ગઈકાલની જેમ તાપમાનનો પારો 45 ડિગ્રી નજીક પહોચ્યો હતો. અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીને વટાવીને 44 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે રાજ્યનું સરેરાશ તાપમાન 41થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાજ્યના અમદાવાદ સહિત 12 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ અને સુરેન્દ્રનગરને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં આગામી ચાર દિવસ હીટવેવની શક્યતાના પગલે માથું ફાડી નાખે એવી ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં હજુ ગરમીનો કહેર યથાવત રહેશે. આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. એકથી બે દિવસમાં ગત વર્ષની ગરમીનો રેકોર્ટ તૂટે તેવી સંભાવના છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ’11મીથી 17મી મે સુધી હવામાન મોટાભાગે સૂકું રહેશે અને આવતા ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. 11થી 14 મે એમ ચાર દિવસ માટે હીટવેવની ચેતવણી છે.’ સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાનું અનુમાન છે.

