અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ આકાશમાંથી કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી બપોરના સમયે લોકો કામ વગર બહાર જવાનું ટાળે છે. બપોરના સમયે લોકો ઓફિસ કે ઘરમાં પંખા અને એસી સામે બેસી રહેવાનું પસંદ કરે છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. તેમજ મહત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રી સુધીનો વધારો થશે. હાલ વહેલી સવારે ઠંડી અને બપોરના ગરમીના કારણે લોકોને ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગ પ્રમાણે રાજ્યના ઉત્તર ઉતરપૂર્વના પવન ફૂંકાય રહ્યા છે .ઉનાળોની કાળઝાળ ગરમી પડી રહી છે અને હજુ પણ ગરમી વધશે. શુક્રવાર-શનિવારે પોરબંદર-ગીર સોમનાથ-કચ્છ, રવિવાર-સોમવારે પોરબંદર-ગીર સોમનાથ-જુનાગઢ-રાજકોટ-કચ્છ-બનાસકાંઠા-સાબરકાંઠામાં હીટ વેવ રહેશે. હિટવેવની અગાહીના કારણે દરિયા કિનારા વિસ્તારનું તાપમાન વધશે.જેના કારણે કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. હાલ રાજ્યનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શકયતા છે.
હવામાન વિભાગે હીટવેવની આગાહી સાથે લોકો અપીલ પણ કરી છે કે હીટવેવની સ્થિતિમાં કામ વગર લોકો ઘરની બહાર ન નીકળે અને જો કામ માટે નીકળવાનું થાય તો સુતરાઉ કપડાં પહેરે. તેમજ પાણી વધારે પીવુ જોઈએ જેના કારણે ડી હાઈડ્રેશનથી બચી શકાય. પરંતુ હજુ હીટવેવની શરૂઆત છે જેમ જેમ ઉનાળાના દિવસો પસાર થશે તેમ તેમ ગરમી પણ વધશે.
અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે, હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

