Site icon Revoi.in

અમદાવાદના રિવરફ્રન્ટ પરથી કાલે 22મી સપ્ટેમ્બરથી હેલિકોપ્ટર જોય રાઈડ ફરી શરૂ થશે

Social Share

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર એક વર્ષથી બંધ થયેલી હેલિકોપ્ટર જોયરાઇડ સેવા આવતી કાલે તા. 22 સપ્ટેમ્બરને સોમવારથી ફરીથી શરૂ થશે. હેલિકોપ્ટરની જોય રાઈડ સેવામાં આ વખતે બમણો વધારો કરાયો છે. અગાઉ એક વર્ષ પહેલા જોય રાઇડ સેવામાં હતી ત્યારે પ્રત્યેક વ્યક્તિદીઠ ટિકિટના દર જીએસટી સાથે રૂ.2478  હતા. હવે 10 મિનિટ માટે ટિકિટના દર રૂ.5900 ચૂકવવા પડશે, સપ્તાહમાં છ દિવસ જોય રાઇડ સર્વિસ ચાલુ રહેશે, જ્યારે દર બુધવારે અમદાવાદ એરપોર્ટ પર રનવે નોટમ હશે ત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અપાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટરની જોય રાઈડ સેવા નબળો પ્રતિસાદ અને અન્ય કારણોને લીધે એક વર્ષ પહેલા બંધ કરવામાં આવી હતી. હવે ફરીવાર આવતી કાલે તા. 22મીને સોમવારથી જોય રાઈડ સેવા શરૂ કરવામાં આવશે. જોય રાઈડ માટે ટિકિટના દર પણ નક્કી કરાયા છે. શહેરના કાંકરિયા, સાયન્સ સિટી, જેતલપુર રૂટ પર હેલિકોપ્ટર રાઇડની મજા માણી શકાશે. 6 સીટર હેલિકોપ્ટર (Bell 206 L3) 5900 એક રાઇડના (5000 ફી + 900 GST) 10 મિનિટની એક રાઇડ 3 રૂટ સાયન્સ સિટી, કાંકરિયા, જેતલપુર 6 દિવસ શરૂ રહેશે જો કે, હેલિકોપ્ટર જોયરાઇડ સાબરમતી રિવરફ્રન્ટ પરથી કયા રૂટ પર ચલાવવી તે અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) દ્વારા નક્કી કરાશે. અગાઉનો રૂટ સાયન્સ સિટી, કાંકરિયા અને જેતલપુર તરફ મળ્યો હતો. એમને પણ જે રૂટ પર મંજૂરી મળશે તે રૂટ પર રાઇડ કરાવાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજસેલ સાથે વેસ્ટર્ન બર્ડ એવિયેશન કંપનીએ 11 મહિનાના એમઓયુ સાઇન કર્યા છે, જેમાં રિવરફ્રન્ટ ટર્મિનલ બિલ્ડિંગ અને હેલિપેડનો ઉપયોગ કરાશે. જોકે પ્રતિ રાઇડે ગુજસેલને યુઝર ડેવલપમેન્ટ ફી પેટે નક્કી કરેલો ચાર્જ ચૂકવાશે. અગાઉ જોયરાઇડ સર્વિસ ગુજસેલ દ્વારા ઓપરેટ થતી હતી, જેમાં એરોટ્રાન્સ સાથે કરાર કરી પ્રવાસીઓને સબસિડી અપાતી હતી, જેથી પ્રતિ ટિકિટ જીએસટી સાથે રૂ.2478માં પડતી હતી. નવી જોયરાઇડમાં સબસિડી ન હોવાથી ટિકિટ મોંઘી પડશે. ઉલ્લેખનીય છે કે, હેલિકોપ્ટર જોય રાઇડ દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હોવાની ફરિયાદ અગાઉ રિવરફ્રન્ટ આસપાસ રહેતા લોકોએ કરી હતી.