
અમેરિકા અને કેનેડાના હિન્દુ મંદિરોમાં સુરતમાં બનેલા ભગવાનના પરિધાનની ભારે ડિમાન્ડ
અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડસિટી ગણાતા સુરતની સાડીઓ અને ડ્રેસ મટીરિયલ દેશ-દુનિયામાં જાણીતા છે. ત્યારે હવે સુરતમાં તૈયાર થતા ભગવાનના વસ્ત્રોની ડિમાન્ડ માત્ર ભારતમાં જ અમેરિકા અને કેનેડા સહિતના દેશમાં વધી છે.
સુરતમાં સાડી અને ડ્રેસ મટીરિયલની સાથે હવે વેપારીઓ ભગવાનના સુંદર અને આકર્ષક પરિધાન બનાવી રહ્યાં છે. સુરતમાં તૈયાર થતા ભગવાનના પરિધાન ગુજરાત ઉપરાંત દેશના સુપ્રસિધ્ધ મંદિરોમાં મોકલાવામાં આવે છે. શિરડીના સાંઇબાબા, તિરૂપતિ બાલાજી, પંજાબના ગુરુદ્વારા, તમામ સ્વામિનારાયણ મંદિર અને વૈષ્ણોદેવી માતાજીને પણ સુરતથી જતા પરિધાન અર્પણ કરવામાં આવતા હોવાનું જાણવા મળે છે. સુરતના રીંગરોડ કાપડ માર્કેટમાં અનેક વેપારીઓએ ભગવાનના પરિધાનો રાખવાની શરૂઆત કરી દીધી છે.
એક વેપારીના જણાવ્યા અનુસાર વિદેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિર, રાધાકૃષ્ણ મંદિર, ગુરુદ્વારા તેમજ અન્ય ધાર્મિક સ્થળો ભગવાનના પરિધાન મોકલવામાં આવે છે. શિયાળાની સીઝનમાં માર્બલ કાપડના પરિધાન ભગવાન માટે ડિમાન્ડમાં હોય છે. વિદેશમાં વસતા મોટાભાગના ભારતીય મૂળના લોકો સુરતથી પરિધાન મંગાવે છે. તેમજ અનેક લોકો રો-મટીરિયલ પણ મંગાવે છે. આમ ભારત ઉપરાંત વિદેશમાં પણ ભગવાનના પારિધાનની ડિમાન્ડ વધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતનો સાડી ઉદ્યોગ દેશભરમાં જાણીતો છે. જો કે, કોરોનાકાળમાં સાડી ઉદ્યોગને ભારે અસર પડી છે. પરંતુ ફરીથી બેઠા થવા માટે સુરતના વેપારીઓએ સાડી અને ડ્રેસ મટીરિયલની સાથે હવે નાઈટવેર અને તૈયાર વસ્ત્રોના વ્યવસાયમાં ઝંપવાલ્યું છે. એટલું જ નહીં સુરતમાં જ વિવિધ એકમોમાં નાઈટવેર અને વસ્ત્રો તૈયાર કરીને દેશભરમાં મોકલવામાં આવી રહ્યા છે.