હૈદરાબાદ, 18 સપ્ટેમ્બર 2026: હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ખાસ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં 2019 ના માનવ તસ્કરી કેસમાં 9 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. દોષિત ઠરેલા 9 લોકોમાંથી 8 બાંગ્લાદેશી નાગરિકો છે. આ આખુ નેટવર્ક બાંગ્લાદેશી મહિલાઓને સારી નોકરી અને આકર્ષક પગારની લાલચ આપીને ભારતમાં લાવતું હતું અને ત્યારબાદ તેમને બળજબરીથી દેહવ્યાપારમાં ધકેલી દેતું હતું. કોર્ટે તમામ દોષિતો પર કુલ રૂ. 1.37 લાખનો દંડ પણ ફટકાર્યો છે. દંડ ન ભરવાના કિસ્સામાં આરોપીઓએ વધારાની ત્રણ મહિનાની સાદી કેદ ભોગવવી પડશે.
આ મામલો મૂળરૂપે તેલંગાણા પોલીસ દ્વારા હૈદરાબાદના પહાડી શરીફ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2019 માં પોલીસે દરોડા પાડીને જલપલ્લી ગામમાં ચાલતા એક કુટણખાનામાંથી 3 બાંગ્લાદેશી મહિલાઓને અને બાલાપુર વિસ્તારની મહેમૂદ કોલોનીના એક ઘરમાંથી 1 મહિલાને મુક્ત કરાવી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NIA એ 12 ઓક્ટોબર 2019 ના રોજ આ તસ્કરી કેસની તપાસ પોતાના હાથે લીધી હતી. તપાસ દરમિયાન નેટવર્કની મોટી માહિતી સામે આવ્યા બાદ એજન્સીએ 17 ઓક્ટોબર 2020 ના રોજ 12 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી.
તપાસ દરમિયાન NIA એ પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સહિત વિવિધ સ્થળોએથી આરોપીઓની ધરપકડ કરી હતી. કોર્ટે જે 9 આરોપીઓને સજા ફટકારી છે તેમાં રુહુલ અમીન ઢાલી, મોહમ્મદ યુસુફ ખાન ઉર્ફે મોહમ્મદ ઇમરાન, બીથી બેગમ ઉર્ફે ખદીજા શેખ, ઇમામુલ ગાઝી ઉર્ફે મોહમ્મદ રાણા હુસૈન, મોહમ્મદ અલ મામૂન, સોજિબ શેખ, સુરેશ કુમાર દાસ ઉર્ફે સાગર, મોહમ્મદ અબ્દુલ્લા મુંશી ઉર્ફે અબ્દુલ સરકાર અને મોહમ્મદ અયૂબ શેખનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સામે આઈપીસી (IPC), ફોરેનર્સ એક્ટ 1946 અને ઈમોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ 1956ની વિવિધ કલમો હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો.


