ઇઝરાયલ સંરક્ષણ દળો-IDF એ ગાઝામાં અનેક હવાઈ હુમલા કર્યા પછી યુદ્ધવિરામ કરાર ફરીથી લાગુ કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, IDF એ જણાવ્યું હતું કે તે યુદ્ધવિરામ કરારનું પાલન કરશે પરંતુ જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તે કડક જવાબ આપશે. અગાઉ, IDF એ કહ્યું હતું કે તેણે ગાઝામાં હમાસ સાથે જોડાયેલા ડઝનેક લક્ષ્યોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. આમાં શસ્ત્રો સંગ્રહ સુવિધાઓ, ફાયરિંગની જગ્યાઓ, આતંકવાદી સેલ અને ઇઝરાયલ સામે હુમલા માટે કથિત રીતે ઉપયોગમાં લેવાતી આશરે 6 કિલોમીટર ભૂગર્ભ ટનલનો સમાવેશ થાય છે.
દરમિયાન ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે તેમને રેડ ક્રોસ ટીમ દ્વારા ઇઝરાયલથી ૩૦ પેલેસ્ટીની કેદીઓના અવશેષો મળ્યા છે, જેનાથી શુક્રવારથી યુદ્ધવિરામ કરાર અમલમાં આવ્યા પછી કુલ સંખ્યા ૧૨૦ થઈ ગઈ છે. એક નિવેદનમાં, મંત્રાલયે જણાવ્યું કે તેમની ટીમો મૃતકોની તપાસ, દસ્તાવેજીકરણ અને તેમના પરિવારોને મુક્ત કરવા માટે તબીબી પ્રક્રિયાઓ હાથ ધરી રહી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં ચાર મૃતદેહોની ઓળખ તેમના પરિવારો દ્વારા કરવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું ઇ“કેટલાક મૃતદેહો પર દુર્વ્યવહાર, મારપીટ, હાથકડી અને આંખે પાટા બાંધવાના ચિહ્નો જોવા મળ્યા હતા. મૃતદેહોનું ટ્રાન્સફર ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળ થયું હતું, જે શુક્રવારથી અમલમાં આવ્યું હતું.
કરારના પ્રથમ તબક્કામાં પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવાનો સમાવેશ થાય છે. શહીદોના મૃતદેહો પરત કરવા માટે પેલેસ્ટીની રાષ્ટ્રીય અભિયાને જણાવ્યું કે ઇઝરાયેલ હાલમાં ૬૭ બાળકો સહિત ૭૩૫ પેલેસ્ટીની કેદીઓના મૃતદેહો ધરાવે છે. ઇઝરાયેલી દૈનિક હારેટ્ઝ અનુસાર, ઇઝરાયલે દક્ષિણ ઇઝરાયલના નેગેવ રણમાં આવેલા સેદે તેઇમાન લશ્કરી મથક પર ગાઝા પટ્ટીમાંથી આશરે ૧,૫૦૦ પેલેસ્ટિનિયનોના મૃતદેહો સંગ્રહિત કર્યા છે. ઓકટોબર ૨૦૨૩થી, ઇઝરાયેલી હુમલાઓમાં ગાઝામાં આશરે ૬૮,૦૦૦ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે, જેના કારણે ગાઝા મોટાભાગે રહેવાલાયક નથી.

