
જો ભારતમાં મુસ્લિમો ખુશ નથી, તો PAK કરતાં વધુ વસ્તી કેમ હશેઃ નિર્મલા સીતારમણ
નવી દિલ્હીઃ. આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત વિરુદ્ધ ‘નકારાત્મક પશ્ચિમી ધારણા’ પર આકરા પ્રહારો કર્યા હતા. વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં બોલતા નાણામંત્રીએ ભારતના મુસ્લિમોની હાલત વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે લઘુમતીઓ માટે રડતા પાકિસ્તાન કરતા પણ ભારતમાં મુસ્લિમો ખુશ અને સુરક્ષિત છે. ભારતમાં મુસ્લિમો સુરક્ષિત હોવાની સાથે બહુમતીની જેમ પોતાનો વ્યવસાય અને તેમના સંતાનોને સારુ શિક્ષણ પણ આપી રહ્યાં છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પશ્ચિમી મીડિયામાં કહેવામાં આવે છે કે, ભારતમાં હાલના શાસનમાં મુસ્લિમોનું જીવન મુશ્કેલ બનાવવામાં આવે છે, પરંતુ આ બધું પાયાવિહોણું છે. નાણામંત્રીએ કહ્યું કે, જો આ સ્થિતિ હશે તો ભારત વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ કેવી રીતે હોત.
તેમણે કહ્યું હતું કે, 1947માં આઝાદી બાદ પાકિસ્તાનથી વિપરીત ભારતમાં મુસ્લિમોની વસ્તી ઝડપથી વધી રહી છે. આ ફક્ત એટલા માટે છે કારણ કે, ભારતમાં દરેક પ્રકારના મુસ્લિમ તેમના વ્યવસાય કરે છે, તેમના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે, ફેલોશિપ આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અવાર-નવાર ભારતમાં મુસ્લિમો ઉપર અત્યાચારને લઈને વિવિધ મંચ ઉપર કાગાચાડ મચાવે છે, એટલું જ નહીં ભારતમાં મુસ્લિમો ઉપર અત્યાચાર થતો હોવાના અવાર-નવાર પશ્ચિમી દેશોએ આક્ષેપ કરે છે. જો કે, પાકિસ્તાન તથા પશ્ચિમિ ધારણાઓ ઉપર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નારાજગી વ્યક્ત કરી હતી. હાલ નિર્મલા સીતારમણ વિદેશના પ્રવાસે છે.