સ્કીનકેર પ્રોડક્ટ્સ વાપરવા છતાં ચહેરા પર ગ્લો નથી આવતો? તો કદાચ તમે પણ કરી રહ્યા છો આ 5 મોટી ભૂલો
આજકાલ દરેક વ્યક્તિ સુંદર, સાફ અને ચમકતી ત્વચા મેળવવા ઈચ્છે છે. આ માટે લોકો મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સથી લઈને ઘરેલું નુસખાઓ સુધીનું બધું જ અજમાવે છે. પરંતુ ઘણીવાર આટલું બધું કરવા છતાં સ્કીન પર ધારી સફળતા મળતી નથી. વાસ્તવમાં, સ્કીનકેર એટલે માત્ર મોંઘા સીરમ કે ક્રીમ લગાવવા એટલું જ પૂરતું નથી, પરંતુ તેને સાચી રીતે અને સાચા ક્રમમાં લગાવવું પણ એટલું જ જરૂરી છે. ઘણીવાર આપણી નાની નાની ભૂલો આખી સ્કીનકેર રૂટીનને બેઅસર કરી દે છે. જો તમે પણ સ્કીન પ્રોબ્લેમ્સથી પરેશાન હોવ, તો જાણો સ્કીનકેર દરમિયાન થતી આ સામાન્ય ભૂલો વિશે:
-
ભીની ત્વચા પર ખોટી પ્રોડક્ટ લગાવવી
સ્કીનકેરનો સાચો રસ્તો જાણવો ખૂબ જરૂરી છે. દરેક પ્રોડક્ટને લગાવવાની રીત અલગ હોય છે. જેમ કે, ‘હાયલુરોનિક એસિડ’ ભીની ત્વચા પર સારું કામ કરે છે, પરંતુ કેટલીક ક્રીમ અને સીરમ સૂકી સ્કીન પર લગાવવા જોઈએ. જો તમે ભીની સ્કીન પર જ બધી પ્રોડક્ટ્સ લગાવી લો છો, તો તે ત્વચામાં બરાબર શોષાતી નથી અને તેનું પરિણામ મળતું નથી.
- વારંવાર ચહેરાને અડકવાની આદત
જો તમે સવારે સ્કીનકેર રૂટીન ફોલો કરો છો, પરંતુ આખો દિવસ ચહેરાને હાથ લગાડ્યા કરો છો, તો કોઈ ફાયદો થશે નહીં. હાથ પર રહેલી ગંદકી, બેક્ટેરિયા અને તેલ ચહેરા પર ટ્રાન્સફર થાય છે, જેના કારણે ખીલ જેવી સમસ્યાઓ સર્જાય છે. આ આદત તમારી પ્રોડક્ટ્સની અસરને પણ ઘટાડી દે છે.
- એક્સફોલિએશનની ખોટી રીત
ત્વચાને સાફ કરવા માટે એક્સફોલિએશન (સ્ક્રબિંગ) જરૂરી છે, પરંતુ અતિરેક ભારે પડી શકે છે. ઘણાને લાગે છે કે વધુ સ્ક્રબ કરવાથી સ્કીન વધુ ચમકશે, પણ હકીકતમાં તેનાથી ત્વચાનું નેચરલ બેરિયર ડેમેજ થાય છે. આનાથી સ્કીનમાં ડ્રાયનેસ, લાલાશ અને સેન્સિટિવિટી વધી જાય છે. અઠવાડિયામાં બે વારથી વધુ સ્ક્રબ કરવાનું ટાળવું જોઈએ.
- રાત્રે ત્વચાની યોગ્ય સફાઈનો અભાવ
આખો દિવસ બહાર રહ્યા પછી ધૂળ, પ્રદૂષણ અને મેકઅપ ત્વચાના છિદ્રોમાં જમા થઈ જાય છે. જો તમે રાત્રે સૂતા પહેલા ચહેરો યોગ્ય રીતે ક્લીન નથી કરતા, તો આ ગંદકી પર પ્રોડક્ટ લગાવવાથી કોઈ ફાયદો થશે નહીં. માત્ર પાણીથી મોઢું ધોઈ લેવું પૂરતું નથી, યોગ્ય ક્લીન્ઝરનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.
- સોશિયલ મીડિયાના દરેક ટ્રેન્ડને ફોલો કરવા
આજકાલ લોકો સોશિયલ મીડિયા પર જોઈને કોઈપણ નવો ટ્રેન્ડ અજમાવવા લાગે છે. યાદ રાખો કે દરેકની ત્વચા અલગ હોય છે. જે વસ્તુ બીજાની સ્કીન પર સૂટ થાય તે તમારી સ્કીન માટે પણ સારી જ હોય તે જરૂરી નથી. ટ્રેન્ડ પાછળ દોડવાને બદલે હંમેશા તમારી સ્કીન ટાઈપ (ઓઈલી, ડ્રાય કે કોમ્બિનેશન) મુજબ જ પ્રોડક્ટ્સ પસંદ કરો.
નિષ્ણાતોના મતે સ્કીનકેર પ્રોડક્ટ્સની સાથે સાથે પૂરતી ઊંઘ, સંતુલિત આહાર અને પુષ્કળ પાણી પીવું પણ હેલ્ધી સ્કીન માટે એટલું જ મહત્વનું છે.


