1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં વટવા, જમાલપુર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયાં
અમદાવાદમાં વટવા, જમાલપુર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયાં

અમદાવાદમાં વટવા, જમાલપુર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો દુર કરાયાં

0
Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓ પરના તેમજ મ્યુનિ.કોર્પોરેશનના પ્લોટ્સના દબાણો દુર કરવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં મ્યુનિ.એસ્ટેટ-ટીડીઓ ખાતાએ વટવામાં મ્યુનિ. પ્લોટમાં બાંધી દેવાયેલાં 48 મકાનો સહિત 3 વોર્ડમાં ચાર જગ્યાએ ગેરકાયદે બાંધકામો દુર કર્યો હતો.

શહેરના મ્યુનિ. એસ્ટેટ ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ શહેરના વટવાના નવાપુરા વિસ્તારમાં મ્યુનિ.નાં સેલ ફોર રેસિડન્સી હેતુ માટેનાં 5826  ચોરસ મીટરનાં રિઝર્વ પ્લોટમાં ગેરકાયદે 48 જેટલાં મકાન બનાવી દેવાયા હતા. રો-હાઉસની આખી સ્કીમ બનાવી દેવાઇ હોવાથી પહેલાં નોટિસ બજાવાઇ હતી, ત્યારબાદ વટવા પોલીસનો બંદોબસ્ત મેળવીને બે જેસીબી, બે બ્રેકર મશીન અને મજૂરોના કાફલા સાથે  48 રોહાઉસ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેવી જ રીતે જમાલપુર વિસ્તારમાં કાચની મસ્જીદ પાછળ 3 માળની ગેરકાયદે ઇમારત ચણી લેવાઇ હતી. આ બાંધકામને પણ નિયમ મુજબ નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં બાંધકામ ચાલુ રાખવામાં આવતાં મધ્ય ઝોન એસ્ટેટ ખાતાએ સીલ માર્યા હતા. સીલ માર્યા પછી પણ બાંધકામ ચાલુ રખાતાં ગાયકવાડ પોલીસનો બંદોબસ્ત મેળવી ગ્રાઉન્ડ ફલોરથી થર્ડ ફલોર સુધીનાં બાંધકામને તોડવાનુ શરૂ કરાયુ હતું.

આ ઉપરાંત શહેરના નરોડા વિસ્તારમાં મુઠીયા ટોલનાકા પાસે સરદાર પટેલ રીંગરોડ ઉપર ૩ પાકા મકાન અને સુતરના કારખાના પાસે મધુસુદન બિઝનેસ પાર્કમાં ઇન્ડસ્ટ્રીયલ શેડના ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યા હતા. મ્યુનિ.એસ્ટેટ ખાતાનાં અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં ગેરકાયદે બાંધકામો અને બીયુ વગરની ઇમારતો સામે કાર્યવાહી કરવાનાં હાઇકોર્ટનાં દિશાનિર્દેશ બાદ આજદિન સુધીમાં  357412 ચોરસ ફૂટ ગેરકાયદે બાંધકામ તોડવામાં આવ્યુ છે અને  632 કોમર્શિયલ તથા  370 રહેણાક યુનિટ મળી કુલ  1002  યુનિટને સીલ મારવામાં આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code