1. Home
  2. ગુજરાતી
  3. ઈમામ હુસૈનનું બલિદાન કરોડો લોકોને સત્ય-ઈન્સાફના માર્ગ પર અડગ રહેવાની પ્રેરણા આપે છે: PM મોદી
ઈમામ હુસૈનનું બલિદાન કરોડો લોકોને સત્ય-ઈન્સાફના માર્ગ પર અડગ રહેવાની પ્રેરણા આપે છે: PM મોદી

ઈમામ હુસૈનનું બલિદાન કરોડો લોકોને સત્ય-ઈન્સાફના માર્ગ પર અડગ રહેવાની પ્રેરણા આપે છે: PM મોદી

0
Social Share

નવી દિલ્હી, 26 જૂન 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હઝરત ઈમામ હુસૈનની શહાદતને યાદ કરતા તેમને સત્ય, ન્યાય, સાહસ અને અતૂટ વિશ્વાસના પ્રતીક ગણાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર કહ્યું કે, ઈમામ હુસૈનનું બલિદાન આજે પણ કરોડો લોકોને સત્ય અને ઈન્સાફના માર્ગ પર અડગ રહેવાની પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હઝરત ઈમામ હુસૈનની શહાદતને નમન કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, હઝરત ઈમામ હુસૈનનું બલિદાન આજે પણ અગણિત લોકોને સત્ય અને ન્યાયના માર્ગ પર અડગ રહેવાની પ્રેરણા આપે છે. તેમની શહાદત સાહસ, દ્રઢ સંકલ્પ અને અતૂટ વિશ્વાસની અમર શક્તિની યાદ અપાવે છે.

હઝરત ઈમામ હુસૈન, પયગંબર હઝરત મુહમ્મદ સાહેબના નવાસા (દોહિત્ર) અને હઝરત અલી તથા હઝરત ફાતિમાના નાના પુત્ર હતા. ઈસ્લામના ઈતિહાસમાં તેમનું સ્થાન અત્યંત સન્માનિત અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમણે 61 હિજરી એટલે કે 680 ઈસવીસનમાં કરબલાના મેદાનમાં સત્ય, ન્યાય અને માનવતાની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા.

ઈતિહાસ અનુસાર, ઈમામ હુસૈને અત્યાચારી શાસક યઝીદ સામે ઝૂકવાનો અને તેની સત્તા સ્વીકારવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ કરબલાના યુદ્ધમાં તેમણે પોતાના પરિવાર અને 72 વફાદાર સાથીઓ સાથે ત્રણ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા રહીને સંઘર્ષ કર્યો અને શહાદત સ્વીકારી, પરંતુ અન્યાય સામે ક્યારેય માથું ઝુકાવ્યું નહીં.

આ શહાદત આજે પણ ઈસ્લામમાં અત્યાચાર વિરુદ્ધ અડગ ઊભા રહેવાનું સૌથી મોટું પ્રતીક માનવામાં આવે છે. હઝરત ઈમામ હુસૈનનું બલિદાન માત્ર મુસ્લિમ સમુદાય જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે સત્ય, ન્યાય, સાહસ અને માનવતાની રક્ષાનો અમર સંદેશ આપે છે. આ જ કારણ છે કે સદીઓ પછી પણ તેમનું બલિદાન વિશ્વભરના લોકોને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવાની અને સત્યના માર્ગ પર અડગ રહેવાની પ્રેરણા આપે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code