વાવાઝોડાની અસરઃ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, ખંભાલીયમાં 5 ઈંચ વરસાદ
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાને પગલે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે 24 કલાકમાં લગભગ 95 જેટલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન ખંભાળિયામાં 4 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની શકયતાને પગલે દરિયાકાંઠા નજીકના વિસ્તારમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ગુજરાત તરફ બિપરજોય વાવાઝોડું નજીક આવતું જઈ રહ્યું છે તેમ તેમ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સરેરાશ 1 ઈંચ વરસ્યો હતો. 24 કલાકમાં ઉપલેટાના જામજોધપુરમાં પોણા ત્રણ ઈંચ, મેંદરડામાં અઢી ઈંચ, જૂનાગઢ તાલુકામાં અઢી ઈંચ, પોરબંદર, વંથલી અને કચ્છના માંડવીમાં બે-બે ઈંચ, સાવરકુંડલા, ભાણવડ, જૂનાગઢ શહેરમાં પોણા બે ઈંચ, ખાંભા, લાલપુર, ધોરાજીમાં પોણા બે ઈંચ, માળીયા હાટીના, ભેંસાણમાં દોઢ દોઢ ઈંચ, તાલાલા, વિસાવદરમાં દોઢ દોઢ ઈંચ, જામકંડોરણા, વેરાવળ, કેશોદમાં દોઢ દોઢ ઈંચ, ગીર ગઢડા, કુતિયાણામાં સવા ઈંચ, રાણાવાવ, રાજુલામાં સવા તથા અબડાસા, જામનગર, ગોંડલમાં એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ખંભાળીયા તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ દ્વારકા તાલુકામાં 4, કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.
અરબી સમુદ્રમાં વાવાઝોડાને પગલે હાલ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે, બીજી તરફ દરિયાકાંઠાના જિલ્લાઓમાં હાલ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા બુધવારે અને ગુરુવારે રાજ્યમાં અનેક સ્થળો ઉપર ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.