1. Home
  2. ગુજરાતી
  3. ટાઈમલાઈન અયોધ્યા -૩ ( ૧૯૮૬-૧૯૯૦)
ટાઈમલાઈન અયોધ્યા -૩ ( ૧૯૮૬-૧૯૯૦)

ટાઈમલાઈન અયોધ્યા -૩ ( ૧૯૮૬-૧૯૯૦)

0
Social Share

હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી )

અમે આજે વાચકો માટે “ટાઇમલાઇન અયોધ્યા”ના ત્રીજા ભાગને રજૂ કરીશું.  આ શ્રેણીથી અમે આપને અયોધ્યાના સંપૂર્ણ ઘટનાક્રમથી માહિતગાર કરાવીશું.

તો ચાલો આજે “ટાઇમલાઇન અયોધ્યા – 3” થી અયોધ્યાના ઘટનાક્રમ વિશે વધુ વાંચીએ.

આ માત્ર ચાર વર્ષનો સમયગાળો છે પણ એમાં થયેલા કાનુની દાવપેચ અને રાજનૈતિક ખેલોએ આ મુદ્દાને અવનવા વળાંકો આપ્યા.

  • વર્ષ ૧૯૮૬,૧ ફેબ્રુઆરી: ફૈઝાબાદના વકીલ ઉમેશચંદ્ર પાંડેની અરજી પર જિલ્લા જજ કે એમ પાંડેએ આદેશ આપ્યો કે મસ્જિદના તાળા ખોલી નાખવામાં આવે અને હિન્દુઓને ત્યાં પુજાપાઠની મંજૂરી મળી.આ ચુકાદાની ૪૦ મિનીટની અંદર સિટી મેજિસ્ટ્રેટે રામ જન્મભૂમિના તાળા ખોલાવી દીધા. મુસ્લિમોએ હિન્દુઓને પૂજાપાઠની મંજુરીનો વિરોધ કર્યો.
  • ૧૯૮૬,૩ ફેબ્રુઆરી: મોહમ્મદ હાશિમ અન્સારીએ હાઇકોર્ટની લખનઉ બેંચમાં તાળું ખોલવા સામે જિલ્લા જજના ચુકાદાને રોકવા અપીલ કરી. હાશિમે પોતાની અરજીમાં કહ્યું કે આ મામલામાં જિલ્લા જજે બીજા પક્ષને સાંભળ્યા વગર એકતરફી ચુકાદો આપ્યો છે.
  • ૧૯૮૬,  ૫-૬ ફેબ્રુઆરી: મુસ્લિમ નેતા સૈયદ શાહબુદ્દીને તાળું ખોલવાના વિરોધમાં ૧૪ જાન્યુઆરીએ દેશભરમાં શોકદિવસ મનાવવાની અપીલ કરી. ઓલ ઇન્ડિયા મજલીસે મુસવરાતએ આ મુદ્દા પર વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવાની માંગણી કરી.
  • ૧૯૮૬, ૬ ફેબ્રુઆરી: તાળું ખોલવાના વિરુદ્ધમાં લખનૌમાં મુસ્લિમોની એક સભા થઈ જેમાં બાબરી મસ્જિદ એક્શન કમિટીની રચના થઈ. મૌલાના મુઝફ્ફર હુસૈન કીછોછવીને કમિટીના અધ્યક્ષ અને મોહમ્મદ આઝમખાનને તથા ઝફરયાબ જીલાનીને સંયોજકો બનાવાયા.
  • ૧૯૮૬,૨૩-૨૪ ડિસેમ્બર: દિલ્હીમાં સૈયદ શાહબુદ્દીનની અધ્યક્ષતામાં બાબરી મસ્જિદ કો ઓર્ડીનેશન કમિટી બની. કમિટીએ ૨૬ જાન્યુઆરી ૧૯૮૭ના પ્રજાસત્તાક દિવસ સમારોહના બહિષ્કારનું આહ્વાન કર્યું.
  • ૧૯૮૯, જુન: મંદિર આંદોલનને પહેલીવાર બીજેપીએ પોતાના એજન્ડામાં લીધું. હિમાચલ પ્રદેશના પાલમપુરમાં બીજેપીની રાષ્ટ્રિય કાર્યકારણીએ પ્રસ્તાવ પસાર કરી અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો સંકલ્પ લીધો. આ પ્રસ્તાવમાં એ પણ કહેવાયું કે આ આસ્થાનો પ્રશ્ન છે, તેના પર અદાલત ફેસલો ના કરી શકે.
  • ૧૯૮૯,૧ એપ્રિલ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોલાવવામાં આવેલી ધર્મસંસદે 30 સપ્ટેમ્બરે પ્રસ્તાવિત મંદિર શિલાન્યાસનું એલાન કર્યું.
  • ૧૯૮૯, મે: વિશ્વ હિન્દુ પરિષદે રામમંદિર નિર્માણ માટે ૨૫ કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના બનાવી.
  • ૧૯૮૮ જુલાઈથી ૧૯૮૯ નવેમ્બર: ગૃહમંત્રી બુટાસિંહે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદને લઇને અલગ-અલગ પાર્ટીઓ સાથે સલાહ મસલત કરી.
  • ૧૯૮૯: વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ ઉપાધ્યક્ષ જસ્ટિસ દેવકીનંદન અગ્રવાલે રામલલા વિરાજમાનના મિત્રની હેસિયતથી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને કહ્યું કે મસ્જિદને ત્યાંથી હટાવીને અન્યત્ર લઈ જવામાં આવે. સરકારે ફૈઝાબાદ જિલ્લા અદાલતમાં રહેલા ચાર ખટલાઓની સાથે મૂળ ખટલાને હાઇકોર્ટની વિશેષ બેન્ચ પાસે સ્થળાંતરીત કરી આપ્યો. બધા ખટલાંની એક સાથે હાઇકોર્ટમાં સુનાવણી શરૂ થઈ.
  • ૧૯૮૯,૧૪ ઓગસ્ટ: હાઈકોર્ટે આદેશ કર્યો કે વિવાદિત પરિસરમાં યથાસ્થિતિ બનાવી રાખવામાં આવે.
  • ૧૯૮૯, ઓક્ટોબર – નવેમ્બર: રામમંદિર નિર્માણઅર્થે અયોધ્યામાં સમગ્ર દેશમાંથી સાડા ત્રણ લાખ રામશિલાઓ પહોંચાડવામાં આવી. આ રામશિલાનું પૂજન દેશના દરેક ગામમાં થયું હતું.
  • ૧૯૮૯,૯ નવેમ્બર: રાજીવ ગાંધીની કેન્દ્ર સરકાર  અને નારાયણ દત્ત તિવારીની રાજ્ય સરકારની સહમતિથી અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવા આવ્યો. શિલાન્યાસ પર કોઈ પણ વિવાદ વગર તમામ પક્ષોની સહમતી હતી. શિલાન્યાસ પ્રસ્તાવિત મંદિરના સિંહદ્રાર પર થયો.શિલાન્યાસ થયા પછી ખબર પડી કે તે વિવાદીત સ્થળ પર થયો છે.
  • ૧૯૯૦,૧ જાન્યુઆરી: અદાલતે આદેશ આપ્યો કે એક સર્વે કમિશન બનાવવામાં આવે. અદાલતે ઉત્તર પ્રદેશ  પુરાતત્વ વિભાગને વિવાદિત પરિસરની તસવીરો લેવાનો આદેશ કર્યો.
  • ૧૯૯o, ફેબ્રુઆરી: રામ જન્મભૂમિ સ્થળ પર ફરીથી કારસેવાનું એલાન થયું.
  • ૧૯૯૦, જુન: હરિદ્વારમાં વિશ્વ હિંદુ પરિષદની બેઠકમાં નિર્ણય થયો કે ૩૦ ઓક્ટોબરથી અયોધ્યામાં મંદિરનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવશે. માહોલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રાનું એલાન કર્યું. ૨૫ સપ્ટેમ્બરે સોમનાથથી શરૂ થયેલી આ રથયાત્રા ૩૦ ઓક્ટોબરે ફૈઝાબાદ પહોંચવાની હતી.
  • ૧૯૯૦, જુલાઈ – ઓક્ટોબર: વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર દરમિયાન આ વિવાદ પર સુલેહ શાંતિ માટે વાતચીતનો દોર ચાલ્યો.
  • ૧૯૯૦, ૨૫ સપ્ટેમ્બર:. સોમનાથથી અયોધ્યા માટે બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા શરૂ થઈ.
  • ૧૯૯૦, ૧૭ ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી કે અડવાણીની રથયાત્રા રોકવામાં આવશે તો એ કેન્દ્ર સરકારને આપેલું સમર્થન પરત લઇ લેશે.
  • ૧૯૯૦, ૧૯ ઓક્ટોબર: વિવાદિત જમીન પર કબજો લેવા માટે કેન્દ્ર સરકારે ત્રણ સુત્રીય વટહુકમ જારી કર્યો જેથી તે રામ જન્મભૂમિ ન્યાસને મંદિર નિર્માણ માટે સોંપી શકાય.
  • ૧૯૯૦, ૨૩ ઓક્ટોબર: ભારે વિરોધ થવાને કારણે સરકારે ઉપરનો વટહુકમ પરત ખેંચી લીધો. આ કામ તેણે બીજેપીને વિશ્વાસમાં લીધા વગર કર્યું.
  • ૧૯૯૦,૨૩ ઓક્ટોબર: કેન્દ્ર સરકારના કહેવાથી બિહારની લાલુ સરકારે રથયાત્રાને રોકી. અડવાણીની સમસ્તીપુરમાં ધરપકડ કરી લેવામાં આવી. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું. વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર લઘુમતીમાં આવી ગઇ.
  • ૧૯૯૦,૩૦ ઓક્ટોબર -૨ નવેમ્બર: વિશ્વ હિન્દુ પરિષદના કારસેવક લાખોની સંખ્યામાં અયોધ્યા પહોંચ્યા. કેટલાક કારસેવકોએ વિવાદિત ઇમારતમાં તોડફોડ કરી ઇમારતની ઊપર ભગવો ઝંડો લહેરાવ્યો. મુલાયમસિંહ યાદવની સરકારે સ્થિતિને કાબુમાં લાવવા માટે ગોળીઓ ચલાવી. ૪૦થી વધુ કારસેવકો રામશરણ થયાં. તેની પ્રતિક્રિયામાં દેશના અનેક હિસ્સાઓમાં રમખાણો ફાટી નીકળ્યા. ઉત્તર પ્રદેશના ૪૨થી વધુ જિલ્લાઓમાં કરફયૂ લગાવી દેવો પડ્યો.
  • ૧૯૯૦,૭ નવેમ્બર: બીજેપીએ ટેકો પાછો ખેંચી લેતા વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર સંસદમાં પરાજિત થઈ ગઈ. ચંદ્રશેખર કોંગ્રેસના સહયોગથી દેશના નવા વડાપ્રધાન બન્યા.
  • ૧૯૯૦,૧ ડિસેમ્બર: ઓલ ઇન્ડિયા બાબરી મસ્જિદ એકશન કમિટીએ ૨૨ ડિસેમ્બરે સમગ્ર દેશને ધ્યાને લઈને એક કોન્ફરન્સની વાત કરી. વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એક્શન કમિટીમાં સુલેહ શાંતિ માટે એક બેઠક પણ થઇ પણ વિશ્વ હિન્દુ પરિષદે કારસેવા ચાલુ રાખવાની વાત કહી. એક અને ચાર ડિસેમ્બરે વડાપ્રધાન ચંદ્રશેખરે  બન્ને પક્ષોને વાતચીત કરવા માટે  સામસામે બેસાડ્યા. બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શરદ પવાર પણ સામેલ હતા. આ બેઠકમાં એ નક્કી થયું કે બંને પક્ષો પોતાના દાવાના સમર્થનમાં પુરાવા રજૂ કરે.
  • ૧૯૯૦, ૯ ડિસેમ્બર: સુરેશચંદ્ર નામના એક તથાકથિત શિવસૈનિકે  મસ્જિદ ઉડાવી દેવાની કોશિશ કરી જેને ત્યાં ઉપસ્થિત સુરક્ષા બળોએ નિષ્ફળ બનાવી. આ યુવકને પરિસરમાં જ પકડી લેવામાં આવ્યો. તેણે પોતાના શરીર પર ડાયનામાઈટ બાંધી રાખ્યો હતો.
  • ૧૯૯૦, ૨૩ ડિસેમ્બર: વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એકશન કમિટીએ પોતપોતાના દાવાઓના સમર્થનમાં દસ્તાવેજો સરકારને સોંપ્યા. ( ક્રમશઃ)

અનુવાદક: પ્રોફેસર ડૉ. શિરીષ કાશીકર

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code