1. Home
  2. ગુજરાતી
  3. ટાઈમલાઈન અયોધ્યા – ૪ (૧૯૯૧ -૯૨)
ટાઈમલાઈન અયોધ્યા – ૪ (૧૯૯૧ -૯૨)

ટાઈમલાઈન અયોધ્યા – ૪ (૧૯૯૧ -૯૨)

0
Social Share

હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી )

અમે આજે વાચકો માટે “ટાઇમલાઇન અયોધ્યા”ના ચોથા ભાગને રજૂ કરીશું.  આ શ્રેણીથી અમે આપને અયોધ્યાના સંપૂર્ણ ઘટનાક્રમથી માહિતગાર કરાવીશું.

તો ચાલો આજે “ટાઇમલાઇન અયોધ્યા – 4” થી અયોધ્યાના ઘટનાક્રમ વિશે વધુ વાંચીએ.

કહેવા માટે સમગ્ર ઘટનક્રમમાં આ બે જ વર્ષ છે પણ તેમાં ભાજપને ઉત્તર પ્રદેશમાં સત્તા મળી અને ઉત્તર પ્રદેશ સહિત ત્રણ રાજ્યોમાં ગુમાવી પણ ખરી. વિવાદિત ઢાંચાના ધ્વંસની સહુથી મહત્વપૂર્ણ ઘટના પણ આ જ સમયમાં બની જેણે ભારતીય સમાજકારણ અને રાજકારણના તમામ પરિબળો બદલી નાખ્યાં…

  • વર્ષ ૧૯૯૧,૧૮ જાન્યુઆરી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે અયોધ્યામાં માર્યા ગયેલા લોકો માટે અને ત્યાર પછી થયેલા રમખાણોની તપાસ માટે એક સમિતિની રચના કરી.
  • ૧૯૯૧ : દેશમાં લોકસભાની ચૂંટણીઓ થઈ. ઉત્તર પ્રદેશમાં બીજેપીની સરકાર બની. કેન્દ્રમાં પી.વી.નરસિંહરાવના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે કાર્યભાર સંભાળ્યો. લોકસભામાં ભારતીય જનતા પાર્ટી પ્રમુખ વિપક્ષી દળ બની. મંદિર આંદોલનને કારણે તેને ઉત્તર પ્રદેશમાં સત્તા મળી આના પરિણામે અયોધ્યા આંદોલનમાં વધુ વેગ આવ્યો.
  • ૧૯૯૧,૭-૧૦ ઓક્ટોબર: ઉત્તર પ્રદેશની કલ્યાણસિંહ સરકારે ૨.૭૭ એકર જમીનનું અધિગ્રહણ કર્યું. અધિગ્રહિત જમીન પર બનેલા કેટલાક ઘરો અને મંદિરો તોડવામાં આવ્યા.
  • ૧૯૯૧,૨૫ ઓક્ટોબર: હાઈકોર્ટે એક આદેશ આપીને ઉત્તરપ્રદેશ સરકારને અધિગ્રહિત જમીનનો કબજો લેવાનું કહ્યું. પણ અધિગ્રહિત જમીન ઉપર કોઈપણ પ્રકારના કાયમી નિર્માણની રોક લગાવી દીધી.
  • ૧૯૯૧, ૧૫ નવેમ્બર: સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી કલ્યાણસિંહને રાષ્ટ્રીય એકતા પરિષદ અને હાઇકોર્ટને તેમણે અપાવેલા ભરોસાના આધાર પર કહ્યું કે તેઓ ૨૫ ઑક્ટોબર ૧૯૧૯ના હાઈકોર્ટના આદેશને કડકાઇથી લાગુ કરે જેમાં વિવાદીત સ્થળ પર કોઈપણ પ્રકારના નિર્માણની મનાઈ હતી.
  • ૧૯૯૨, ફેબ્રુઆરી: ઉત્તરપ્રદેશ સરકારે અયોધ્યામાં વિવાદીત પરિસરની ચારે તરફ રામ દીવાલનું નિર્માણ શરૂ કર્યું.
  • ૧૯૯૨, માર્ચ: ૧૯૮૮-૮૯માં રાજ્ય સરકાર દ્વારા અધિગ્રહિત કરવામાં આવેલી ૪૨.૦૯ એકર જમીન રામ જન્મભૂમિ ન્યાસને રામકથા પાર્ક માટે સોંપી દેવામાં આવી.
  • ૧૯૯૨, માર્ચ થી મે: અધિગ્રહિત કરવામાં આવેલી આ જમીન પર બનેલા તમામ મંદિરો, આશ્રમ અને ભવનોને તોડવામાં આવ્યા. અહીં જમીનોનું સમતલીકરણનું કામ શરૂ થયું.( જુઓ તસવીર)
  • ૧૯૯૨, મે: વિવાદિત પરિસરમાં ખોદકામ અને સમતલીકરણના કામ પર હાઇકોર્ટે રોક લગાવવા પર મનાઈ કરી દીધી.
  • ૧૯૯૨, ૯ જુલાઈ: વિશ્વ હિન્દુ પરિષદે ફરી કાર સેવા શરૂ કરી. સ્થળ પર કોંક્રિટનો ચબૂતરો બનાવવાનું કામ શરૂ થયું.
  • ૧૯૯૨,૧૫ જુલાઈ: હાઈકોર્ટે કારસેવા રોકવા અને ત્યાં ચાલી રહેલા કાયમી નિર્માણ પર રોક લગાવવાનો આદેશ આપ્યો.
  • ૧૯૯૨, જુલાઈ: સુપ્રીમ કોર્ટમાં કલ્યાણસિંહ પર અદાલતની અવમાનનાનો ખટલો શરૂ થયો, કારસેવા પણ ચાલુ રહી.
  • ૧૯૯૨,૧૮ જુલાઈ: રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠક મળી જેમાં કોઈ પરિણામ ન આવ્યું. રાષ્ટ્રીય એકતા પરિષદે ઉત્તરપ્રદેશ સરકારને કહ્યું કે હાઇકોર્ટના આદેશનું પાલન કરે અને નિર્માણકાર્યને રોકે.
  • ૧૯૯૨, ૨૩ જુલાઈ: સુપ્રીમ કોર્ટે વિવાદીત સ્થળ પર કોઈપણ પ્રકારના નિર્માણ કાર્ય પર રોક લગાવી દીધી. વડાપ્રધાને ધાર્મિક ગુરુઓ સાથે વાત કરી કારસેવા રોકવા કહ્યું.
  • ૧૯૯૨,૨૬ જુલાઈ: વિશ્વ હિન્દુ પરિષદે ૯ જુલાઈએ શરૂ થયેલી કારસેવા રોકી.
  • ૧૯૯૨, ૨૭ જુલાઈ: વડાપ્રધાને અયોધ્યાની સ્થિતિ પર સંસદમાં નિવેદન આપ્યું.
  • ૧૯૯૨, ઓગસ્ટ- સપ્ટેમ્બર: વડાપ્રધાન કાર્યાલયમાં અયોધ્યા સેલ બનાવવામાં આવ્યો. પૂર્વ કેબિનેટ સચિવ નરેશ ચંદ્રા તેના અધ્યક્ષ બન્યા.
  • ૧૯૯૨, ઓક્ટોબર: વડાપ્રધાનની પહેલ પર વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એકશન કમિટી વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ. બે બેઠકો થઈ.
  • ૧૯૯૨, ૨૩ ઓક્ટોબર: વિવાદિત પરિસરમાં મળેલા પુરાતત્વીય અવશેષોના અભ્યાસ માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બાબરી મસ્જિદ એકશન કમિટીના નેતાઓની બેઠક મળી.
  • ૧૯૯૨, ૩૦-૩૧ ઓક્ટોબર: ધર્મસંસદ અને કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠકમાં ૬ ડિસેમ્બર ૧૯૯૨થી પુનઃ કાર સેવા શરૂ કરવાનું એલાન.
  • ૧૯૯૨, ૨૩ નવેમ્બર: ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકનો બહિષ્કાર કર્યો. આ બેઠકમાં સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર થયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર સુપ્રીમ કોર્ટના ૨૦ નવેમ્બર ૧૯૯૨ના આદેશનું પાલન કરે એટલે કે કોઈ નિર્માણકાર્ય ન થાય.
  • ૧૯૯૨,૨૪ નવેમ્બર: રાજ્ય સરકારને કહ્યા વગર કેન્દ્ર સરકારે કેન્દ્રીય સુરક્ષા બળોની એક કંપની અયોધ્યા મોકલી આપી.
  • ૧૯૯૨, ૨૭-૨૮ નવેમ્બર: ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં વિવાદીત ઢાંચાની સુરક્ષા માટે એફિડેવિટ કરી. સુપ્રીમ કોર્ટે પોતાના એક પર્યવેક્ષકની નિમણૂક કરી જેનું કામ એ જોવાનું હતું કે કારસેવાના નામ પર ત્યાં કોઈ કાયમી નિર્માણ ન થાય. મુરાદાબાદ જિલ્લા જજ તેજશંકર અયોધ્યામાં પર્યવેક્ષક બન્યા.
  • ૧૯૯૨, ૬ ડિસેમ્બર: વિશ્વ હિન્દુ પરિષદ, ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના સમર્થનથી કારસેવકો દ્વારા વિવાદિત ઢાંચો પાડી નાખવામાં આવ્યો. દેશભરમાં રમખાણો ફાટી નીકળ્યા જેમાં ૨૦૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા. કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશની કલ્યાણસિંહ સરકારને બરખાસ્ત કરી નાખી. મુખ્યમંત્રી કલ્યાણસિંહ સરકારને બરખાસ્ત કરવામાં આવે તે પહેલાં જ પોતાનું રાજીનામું આપી ચૂક્યા હતા. સાંજ સુધીમાં વિવાદીત સ્થળ પર કામચલાઉ મંદિર બનાવી મૂર્તિઓની ફરીથી સ્થાપના કરવામાં આવી. અહીં ૬ અને ૭ ડિસેમ્બરે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન દિવાલ અને શેડ બનાવવામાં આવ્યા.
  • ૧૯૯૨, ૬ ડિસેમ્બર: બે એફઆઈઆર બાબરી મસ્જિદ વિધ્વંસની વિરુદ્ધમાં રામ જન્મભૂમિ ચોકીમાં નોંધવામાં આવી. એફઆઈઆર નંબર ૧૯૭ કારસેવકો અને એફઆઈઆર નંબર ૧૯૮ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમાભારતી, અશોક સિંઘલ સહિત બીજેપીના બીજા નેતાઓની વિરુદ્ધમાં હતી.
  • ૧૯૯૨, ૭-૮ ડિસેમ્બર: રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ પરિસરને કેન્દ્રીય સુરક્ષા બળોએ પોતાના કબજામાં લઈ લીધું.
  • ૧૯૯૨, ૧૦ ડિસેમ્બર: કેન્દ્ર સરકારે આરએસએસ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને જમાતે ઇસ્લામી પર પ્રતિબંધ લગાવી દીધો.
  • ૧૯૯૨,૧૫ ડિસેમ્બર: પ્રતિબંધિત સંગઠનો સાથે સંબંધ રાખવાના આરોપમાં કેન્દ્ર સરકારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની ભાજપની સરકારોને બરખાસ્ત કરી નાખી.
  • ૧૯૯૨, ૧૬ ડિસેમ્બર: બાબરી ધ્વંસ માટે શ્રી અડવાણી સહિત છ આરોપીઓને ધરપકડ કરીને લલિતપુર જેલ મોકલી આપવામાં આવ્યા. ઉત્તર પ્રદેશ સરકારની એફઆઈઆર નંબર ૧૯૮ કે જેમાં શ્રી અડવાણી અને સાત અન્ય લોકો આરોપી હતા તેને લલિતપુરની વિશેષ અદાલતને સોંપવામાં આવી.
  • ૧૯૯૨,૨૭ ડિસેમ્બર: કેન્દ્ર સરકારે અયોધ્યાના વિવાદીત સ્થળ અને તેની આસપાસના વિસ્તારને પોતાના અધિકારમાં લેવાનો નિર્ણય કર્યો. ( ક્રમશઃ)

અનુવાદક: પ્રોફેસર ડૉ. શિરીષ કાશીકર

(તસવીર સ્ત્રોત: “યુદ્ધમે અયોધ્યા” પુસ્તકમાંથી)

( તસવીરમાં દેખાતી, કલ્યાણસિંહની સરકારે અધિગ્રહિત કરેલી આ ૨.૭૭ એકર જમીનનું સમતલીકરણ થયું.અહી કારસેવા કરવાની તેમની ફોર્મ્યુલા ફગાવી દેવાઈ હતી.)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code