1. Home
  2. ગુજરાતી
  3. ટાઈમલાઈન અયોધ્યા – ૫ (૧૯૯૩-૨૦૦૯)
ટાઈમલાઈન અયોધ્યા – ૫ (૧૯૯૩-૨૦૦૯)

ટાઈમલાઈન અયોધ્યા – ૫ (૧૯૯૩-૨૦૦૯)

0
Social Share

હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી )

અમે આજે વાચકો માટે “ટાઇમલાઇન અયોધ્યા”ના પાંચમાં ભાગને રજૂ કરીશું.  આ શ્રેણીથી અમે આપને અયોધ્યાના સંપૂર્ણ ઘટનાક્રમથી માહિતગાર કરાવીશું.

તો ચાલો આજે “ટાઇમલાઇન અયોધ્યા – 5” થી અયોધ્યાના ઘટનાક્રમ વિશે વધુ વાંચીએ.

આ સોળ વર્ષના સમયમાં સરયુ નદીમાંથી ઘણું પાણી વહી ગયું.વિવાદિત ઢાંચામાંથી મુક્ત થયેલા રામલલ્લાને હવે પોતાના જન્મસ્થાનની સાબિતી આપવા માટેની લાંબી કાનુની લડાઇ લડવાની હતી તો ભારતીય સમાજે પણ તેમના સંઘર્ષની ચક્કીમાં પિસાવાનું હતું. બાબરી ધ્વંસના પડઘા પડ્યા, દેશભરમાં ભયંકર અજંપો ફેલાયો, મુંબઈમાં બોમ્બ ધડાકા થયા, સત્તા પરિવર્તનો થયા અને ૨૦૦૨માં ગુજરાતમાં કારસેવકોને લઈને આવી રહેલી ટ્રેનમાં કારસેવકોને જીવતા જલાવી દેવાયા, એક તબક્કે ફરી વિવાદિત સ્થળ પર આતંકી હુમલાનો પણ પ્રયાસ થયો…

  • ૧૯૯૩, ૭ જાન્યુઆરી: અયોધ્યાના રામ જન્મભૂમિ બાબરી પરિસરની ૬૭.૭ એકર જમીનને કેન્દ્ર સરકારે અધિગ્રહિત કરી લીધી, તેમાં કામચલાઉ મંદિર પણ હતું. આ જ દિવસે રાષ્ટ્રપતિએ બંધારણની કલમ ૧૪૩એ અંતર્ગત સુપ્રીમ કોર્ટને પ્રેસિડેન્સીયલ રેફરન્સ આપ્યો કે એ બતાવે કે શું વિવાદીત ઢાંચાની નીચે ક્યારેય કોઈ મંદિર હતું કે કેમ? અને ત્યાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી કે કેમ? સુપ્રીમ કોર્ટે લાંબી સુનાવણી બાદ રેફરન્સ એવું કહીને પરત મોકલી આપ્યો કે તે આના પર કોઈ સલાહ આપી શકે તેમ નથી.
  • ૧૯૯૩,૨૭ ફેબ્રુઆરી: સીબીસીઆઈડીએ લલિતપુરની વિશેષ અદાલતમાં એફઆઈઆર ૧૯૮માં એક આરોપપત્ર દાખલ કર્યું. જેમાં શ્રી અડવાણી અને બાકીના લોકો પર કલમ ૧૪૭,૧૪૯( ૧૫૩ ૧૫૩એ, ૧૫૩ બી અને ૫૦૫ સિવાયના) અંતર્ગત આરોપો લગાવવામાં આવ્યા.
  • ૧૯૯૩,૧૧ માર્ચ: બાબરી ઢાંચાને પાડી દેવાની પ્રતિક્રિયામાં મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ થયા. આ વિસ્ફોટ અને તેના પછી થયેલા રમખાણોમાં હજારો લોકો માર્યા ગયા.
  • ૧૯૯૩,૬ જુન: ઉત્તરપ્રદેશ સરકારે એફઆઈઆર નંબર ૧૯૮ને લલિતપુરથી રાયબરેલીની વિશેષ અદાલતમાં ટ્રાન્સફર કરી દીધી.
  • ૧૯૯૩,૨૫ ઓગષ્ટ: શ્રી અડવાણીના મામલામાં સીબીઆઈ સીબીસીઆઈડીનું સ્થાન લીધું. ઉત્તરપ્રદેશ સરકારે બે અધિસૂચનાઓ જારી કરી મામલાને સીબીઆઈને સોંપી દીધો. પહેલામાં સીબીઆઈને એફઆઈઆર નંબર ૧૯૮ની તપાસની મંજૂરી આપવામાં આવી જ્યારે બીજીમાં સીબીઆઈને મીડિયા પર થયેલા હુમલાની તપાસ કરવાનું કહેવામાં આવ્યું.
  • ૧૯૯૩, ૮ સપ્ટેમ્બર: ઉત્તરપ્રદેશ સરકારે અલ્હાબાદ હાઈકોર્ટની સલાહ બાદ અયોધ્યા ધ્વંસના મામલાની સુનાવણી માટે લખનઉમાં વિશેષ અદાલત બનાવી.
  • ૧૯૯૩, ૫ ઓક્ટોબર: સીબીઆઇએ પહેલીવાર તમામ આરોપીઓ સામે ષડયંત્રનો મામલો ૧૨૦ બી અંતર્ગત લગાવ્યો. તેણે તમામ ૪૯ મામલાઓનું એક સંયુક્ત આરોપપત્ર પણ દાખલ કર્યું.
  • ૧૯૯૭, ૯ સપ્ટેમ્બર: વિશેષ ન્યાયાધીશે સીબીઆઈને આરોપિત ૪૯ લોકોની વિરુદ્ધમાં આરોપ લગાવવાનું કહ્યું, તે પૈકીના ૩૩ લોકોએ હાઈકોર્ટની લખનૌ પીઠમાં પુનર્વિચારની અરજી દાખલ કરી. શ્રી અડવાણીએ કોઈ પુનર્વિચાર અરજી દાખલ કરી નહીં.
  • ૧૯૯૮: ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવી.
  • ૨૦૦૧,૧૨ ફેબ્રુઆરી: હાઈકોર્ટે 33 આરોપીઓની પુનર્વિચાર અરજી સ્વીકાર કરી લીધી.
  • ૨૦૦૧,૨૪ જુલાઇ: મોહમ્મદ અસલમ ઉર્ફે ભુરેએ હાઇકોર્ટના ૧૨મી ફેબ્રુઆરીના ચુકાદાની વિરૂધ્ધમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી.
  • ૨૦૦૧, ૨૦ ઓગષ્ટ: સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને સીબીઆઇને ભૂરેની અપીલની સામે જવાબી સોગંદનામું દાખલ કરવા કહ્યું.
  • ૨૦૦૨: ફેબ્રુઆરીમાં વિશ્વ હિન્દુ પરિષદે મંદિર નિર્માણ ફરીથી શરૂ કરવા માટે ૧૫ માર્ચની અંતિમ તારીખ નક્કી કરી. દેશભરમાંથી કારસેવકો અયોધ્યામાં એકઠા થવા લાગ્યા. કારસેવકોને લઈને પરત જઇ રહેલી સાબરમતી એક્સપ્રેસના ડબ્બા એસ-૬ પર ગુજરાતના ગોધરામાં હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ૫૮ કારસેવક જીવતા સળગાવી નાંખવામાં આવ્યા. આ ઘટના પછી સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં જેમાં એક હજારથી વધારે લોકોના મોત થયા.
  • ૨૦૦૨, એપ્રિલ: અલ્હાબાદ હાઇકોર્ટમાં ત્રણ જજોની વિશેષ બેંચ સમક્ષ એ વાતની સુનાવણી શરૂ થઈ કે વિવાદીત સ્થળ પર કોનો અધિકાર છે.
  • ૨૦૦૩: ઈલાહાબાદ હાઈકોર્ટની વિશેષ બેન્ચે એએસઆઈને એ વાતની તપાસ કરવાનું કહ્યું કે શું ત્યાં પહેલા કોઈ મંદિર હતું? હાઈકોર્ટે કહ્યું કે તે ત્યાં ખોદકામ કરીને આ વાતની તપાસ કરે. એએસઆઇને મસ્જિદ નીચે ૧૧મી સદીનું એક મંદિર હોવાના પુરાવા મળ્યા.
  • ૨૦૦૪: છ વર્ષના બીજેપીના શાસન બાદ કેન્દ્રમાં કોંગ્રેસની સત્તા આવી. ઉત્તરપ્રદેશની એક અદાલતે કહ્યું કે શ્રી અડવાણીને નિર્દોષ જાહેર કરવા પર વિવેચન થવું જોઈએ.
  • ૨૦૦૫, જુલાઈ: કેટલાક સંદિગ્ધ ઈસ્લામી ઉગ્રવાદીઓએ વિવાદીત સ્થળ પર આક્રમણ કર્યું. વિવાદિત પરિસરમાં ઘુસવાનો પ્રયાસ કરી રહેલા આ પાંચ આતંકીઓને સુરક્ષાબળોએ ખતમ કરી નાખ્યા.
  • ૨૦૦૯, જુન: બાબરી ધ્વંસની તપાસ માટે બનાવવામાં આવેલા લિબ્રહાન કમિશને પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો. સંસદમાં હંગામો થયો કારણકે અહેવાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિધ્વંસમાં સામેલ હોવાની વાત કહેવામાં આવી હતી. ( ક્રમશઃ)

અનુવાદક: પ્રોફેસર ડૉ. શિરીષ કાશીકર

(તસવીર સ્ત્રોત: “યુદ્ધમે અયોધ્યા” પુસ્તકમાંથી)

(વિવાદિત ઢાંચાના કાટમાળમાંથી મળેલા મંદિરના શિલાલેખની તસવીર)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code