1. Home
  2. ગુજરાતી
  3. ટાઈમ લાઈન અયોધ્યા-૬ (૨૦૧૦ -૨૦૨૦)
ટાઈમ લાઈન અયોધ્યા-૬ (૨૦૧૦ -૨૦૨૦)

ટાઈમ લાઈન અયોધ્યા-૬ (૨૦૧૦ -૨૦૨૦)

0
Social Share

હેમંત.શર્મા ( સ્ત્રોત: “યુદ્વમે અયોધ્યા” પુસ્તકમાંથી )

અમે આજે વાચકો માટે “ટાઇમલાઇન અયોધ્યા”ના અંતિમ ભાગને રજૂ કરીશું.  આ લેખ સાથે ટાઇમલાઈન અયોધ્યા શ્રેણી અહીં પૂર્ણ થાય છે.

તો ચાલો આજે “ટાઇમલાઇન અયોધ્યા – 6” એટલે કે શ્રેણીના અંતિમ ભાગ સાથે રામલલ્લાની જન્મભૂમિના સંઘર્ષના અંતિમ અને મહત્વના પડાવ વિશે વાંચીએ.

આ અંતિમ દસકો રામલલ્લાની જન્મભૂમિના સંઘર્ષનો અંતિમ અને અત્યંત મહત્વપૂર્ણ પડાવ હતો. અલાહાબાદ હાઇકોર્ટના જમીનના કબજાને લઈને અપાયેલા ચુકાદાએ મામલો વધુ ગુંચવ્યો અને બધું વાજતે ગાજતે સર્વોચ્ય અદાલતમાં ગયું. ૨૦૧૪માં ભાજપની સ્પષ્ટ બહુમતિવાળી, રથયાત્રાના અદૃષ્ટ સારથીના નેતૃત્વમાં સરકાર બની અને રામલલ્લાના ભવ્ય મંદિર નિર્માણનો માર્ગ ખુલ્લો થયો. સર્વોચ્ચ અદાલતમાં પણ ઘણી દિલધડક કાનુની પ્રક્રિયાઓ અને દસ વર્ષની દલીલો પછી ૯ નવેમ્બર,૨૦૧૯ના રોજ પાચ જજોની બેંચે શકવર્તી ચૂકાદો આપી રામલલ્લાને આખરે એમનું ઘર પરત અપાવ્યું. આગામી બુધવારે ન્યાસ દ્વારા આ ભવ્ય મંદિરના નિર્માણની પ્રક્રિયા શરૂ થશે. આવો અંતિમ કડીમાં જોઈએ કેટલીક મહત્વની ઘટનાઓ.

  • વર્ષ ૨૦૧૦: અલ્હાબાદ હાઈકોર્ટે આ વિવાદને લઈને દાખલ કરવામાં આવેલી ચાર અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો. આ ચુકાદામાં હાઇકોર્ટે કહ્યું કે વિવાદીત સ્થળને ત્રણ ભાગમાં વહેંચી નાખવામાં આવે. એક તૃતિયાંશ હિસ્સો રામલલ્લાને આપવામાં આવે જેનું પ્રતિનિધિત્વ હિન્દુ મહાસભાની પાસે છે. એક તૃતિયાંશ હિસ્સો સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને આપવામાં આવે અને ત્રીજો હિસ્સો નિર્મોહી અખાડાને આપવામાં આવે. ડિસેમ્બરમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભા અને સુન્ની વકફ બોર્ડ આ ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયા.
  • ૨૦૧૧: સુપ્રીમ કોર્ટે જમીનની વહેંચણી પર રોક લગાવી દીધી અને કહ્યું કે સ્થિતિને પૂર્વવત બનાવી રાખવામાં આવે.
  • ૨૦૧૪: લોકસભાની સામાન્ય ચૂંટણીમાં શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી અને કેન્દ્રમાં પાર્ટી સત્તા પર આવી.
  • ૨૦૧૫: વિશ્વ હિન્દુ પરિષદે ફરી રાજસ્થાનથી રામ મંદિરના નિર્માણ માટે શિલાઓ એકઠી કરવાનું આહવાન કર્યું. છ મહિના બાદ ડિસેમ્બરમાં વિવાદીત સ્થળ પર બે ટ્રક ભરીને શિલાઓ પહોંચાડવામાં આવી. મહંત નૃત્યગોપાલદાસે દાવો કર્યો કે મોદી સરકાર દ્વારા મંદિર બનાવવાની મંજુરી મળી ગઈ છે. ઉત્તર પ્રદેશની અખિલેશ યાદવ સરકારે કહ્યું કે તેઓ અયોધ્યામાં શિલાઓ લાવવાની મંજૂરી નહીં આપે.
  • ૨૦૧૭ માર્ચ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે ૧૯૯૨ના વર્ષમાં શ્રી અડવાણી અને અન્ય નેતાઓ પર લગાવવામાં આવેલા આરોપો પરત નહીં લઈ શકાય અને આ કેસની તપાસ ફરીથી કરવામાં આવે.
  • ૨૦૧૭, ૨૧ માર્ચ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલો સંવેદનશીલ છે અને તેનું સમાધાન કોર્ટની બહાર થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે સહુ પક્ષોને સહમતી બનાવીને સમાધાન શોધવા કહ્યું.
  • ૨૦૧૭, ૫ ડિસેમ્બર: સુપ્રીમ કોર્ટે ૮ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ મામલામાં અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધની દાખલ થયેલી તમામ જનહિત અરજી પર ઝડપી સુનાવણી કરવાનો નિર્ણય કર્યો.
  • ૨૦૧૮, ૮ ફેબ્રુઆરી: સુપ્રીમ કોર્ટે સહુ પક્ષોને બે અઠવાડિયામાં પોતાના દસ્તાવેજ તૈયાર કરવાનો આદેશ આપ્યો સાથે એ પણ કહ્યું કે હવે આ મામલામાં કોઇ નવા પક્ષકાર નહી જોડાઈ શકે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અમે આ મામલાને જમીનના વિવાદની જેમ જ જોઈશું.
  • ૨૦૧૮, ૧૪ માર્ચ: સુપ્રીમ કોર્ટે આ મામલામાં બિનજરૂરી દખલગીરીથી બચવા માટે મુખ્ય પક્ષકારો સિવાયના બાકીના ત્રીજા પક્ષો તરફથી દાખલ કરવામાં આવેલી ૩૨ હસ્તક્ષેપ અરજીઓને કાઢી નાખી. હવે એ જ પક્ષકારો રહ્યા કે જેઓ અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદા વખતથી કેસમાં સામેલ હતા. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે જો બંને પક્ષ સમાધાન માટે રાજી હોય તો કોર્ટ તેની મંજૂરી આપી શકે છે પણ તે કોઈ પણ પક્ષને આવું કરવા માટે મજબૂર નથી કરી શકતી.
  • ૨૦૧૮,૨૭ ડિસેમ્બર: અયોધ્યા મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રિમ કોર્ટના ત્રણ જજોની પીઠે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની માંગણી નકારી કાઢતા “ઈસ્માઈલ ફારૂકી” મામલાની પુનર્વિચાર માટે તેને મોટી ખંડપીઠ પાસે મોકલવાની મનાઈ કરી દીધી. વર્ષ ૧૯૯૪ના આ ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે નમાઝ માટે મસ્જિદને ઇસ્લામનું અભિન્ન અંગ માનવાથી ઇનકાર કરી દીધો હતો. મુસ્લિમ પક્ષનો દાવો હતો કે અયોધ્યા મામલા પર અલાહાબાદ હાઇકોર્ટનો વર્ષ ૨૦૧૦નો ચુકાદો “ઈસ્માઈલ ફારુકી” ચુકાદાથી પ્રભાવિત હતો એટલે તેના પર પુનઃ વિચારણા કર્યા સિવાય અયોધ્યાના “ટાઈટલ સુટ” પર સુનાવણી ન થવી જોઈએ.મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સદસ્યની પીઠે ૨-૧ની બહુમતીથી આદેશ આપ્યો કે અયોધ્યા મામલા પર “ઈસ્માઈલ ફારુકી” કેસની કોઈ અસર નથી અને જમીનના વિવાદ પર નિર્ણય પુરાવાઓના આધારે આપવામાં આવે. આ મત પીઠના અધ્યક્ષ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણનો હતો જ્યારે પીઠના ત્રીજા સભ્ય જસ્ટિસ એસ. અબ્દુલ નજરે અસહમતી વ્યક્ત કરી. તેમના મત પ્રમાણે મસ્જિદ ઇસ્લામનો અભિન્ન હિસ્સો છે કે નહીં તેનો ફેંસલો ધાર્મિક આસ્થાના આધાર પર થવો જોઈએ અને તેના માટે વિસ્તૃત વિમર્શની જરૂર છે.
  • ૯ નવેમ્બર,૨૦૧૯: જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતવાળી પાચ જજોની ખંડપીઠે સ્પષ્ટ, શકવર્તી ચૂકાદો આપી જમીનનો કબજો રામલલ્લાને આપ્યો અને સરકારને એક ટ્રસ્ટ રચવા આદેશ કર્યો, તેની સાથે જ રામલલ્લાના ભવ્ય નિવાસના નિર્માણનો માર્ગ મોકળો થયો.

મિત્રો, ટાઈમલાઈન અયોધ્યા શ્રેણી અહી પૂરી થાય છે પણ ભારતના ભાવિનો એક પથ્થર બુધવારે નંખાશે, રામલલ્લાને પોતાનું ઘર પાછું મેળવવા ૪૯૨ વર્ષ લાગી ગયા, તેમને આ ઘર પરત અપાવવા અસંખ્ય રામભકતોએ અહર્નિશ પરિશ્રમ કર્યો, લોહી પસીનો એક કર્યા, મહામૂલો જીવ પણ ગુમાવ્યો, હવે આશા કરીએ કે તેમનું ભવ્ય નિવાસ આવનારી પેઢીઓને “અપમાનબોધ”થી દૂર કરી વિજયવિજીગીશું વૃત્તિ તરફ લઈ જાય. જય શ્રી રામ…

અનુવાદક: પ્રોફેસર ડૉ. શિરીષ કાશીકર

(તસવીર સ્ત્રોત: “યુદ્ધમે અયોધ્યા” પુસ્તકમાંથી)

(તસવીર: કારસેવા બાદ સમતલિકરણ અને પૂજાપાઠની તૈયારીઓની)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code