- ભાજપ ગુજરાતના મુખ્ય પ્રવકતા શ્રી ડૉ. અનિલભાઇ પટેલની પ્રતિક્રિયા
ગાંધીનગર, 9 સપ્ટેમ્બર, 2026 – ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજે શરૂ થયું હતું. જોકે એ દરમિયાન વંદે માતરમના ગાનના મુદ્દે મોટો વિવાદ થઈ ગયો છે. રાષ્ટ્રગાન ગવાયું ત્યારે બાકીના તમામ ધારસભ્યો આદરપૂર્વક ઊભા થયા હતા પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા તેમની જગ્યાએ બેસી રહ્યા હતા. રાષ્ટ્રગાનના સન્માનમાં ખેડાવાલાએ ઊભા નહીં થઈને ગીતનું ભારે અપમાન કર્યું છે.
સત્તાધારી ભાજપે આ મુદ્દે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. ખેડાવાલાના આવા રાષ્ટ્રગાન પ્રત્યેના અપમાનજનક વર્તન બાબતે પ્રતિક્રિયા આપતા ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે આજે કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું આજે વિધાનસભા ગૃહમાં તેમનું વર્તન અને ત્યારબાદ તેમનું વક્તવ્ય ખૂબ જ નિંદનીય છે અને ખૂબ જ ગંભીર તથા ગેરકાનૂની છે.
શ્રી અનિલભાઈએ જણાવ્યું કે, વિધાનસભા ગૃહમાં એક ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી દેશના બંધારણને સમર્પિત હોય છે. જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલાએ આજે વંદે માતરમ ગીતનું અપમાન કર્યું છે, મને લાગે છે કે ગુજરાતની પ્રજા આ અપમાનને સાંખી નહીં લે. કોંગ્રેસને આવનારા સમયમાં જબરજસ્ત જવાબ આપશે.
આજે ગુજરાતમાં અને દેશમાં પણ ગણ્યાગાંઠ્યા કોંગ્રેસના પ્રતિનિધિઓ છે અને મને લાગે છે કે આ પ્રકારના વર્તનના કારણે આવનારા સમયમાં કોંગ્રેસ નામશેષ થઈ જશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, રાહુલ ગાંધી જે હાથમાં બંધારણની લાલ ચોપડી લઈને ફરે છે, પરંતુ તેમના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આજે સંસદે પાસ કરેલો કાયદો અને નિયમ છે, તેનું વિધાનસભા ગૃહમાં અપમાન કર્યું છે. મને લાગે છે કે શ્રી રાહુલ ગાંધી અને સોનિયાજીએ પણ વંદે માતરમ ગાનનું અપમાન કરતા વીડિયો જોયા છે અને કોંગ્રેસમાં જીન્હાનો આત્મા ઘૂસી ગયો છે. કોંગ્રેસ 21 સદીમાં માઓવાદી મુસ્લિમ લીગ બની ગઈ હોય તેમ લાગે છે.
1947માં સૌપ્રથમ બંધારણ સભા મળી ત્યારે પણ સંપૂર્ણ વંદે માતરમ ગીત ગવાયું હતું, પરંતુ જીન્હાને ખુશ કરવા માટે તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુજીએ અને કોંગ્રેસે વંદે માતરમ ગીતની ફક્ત બે કડી ગાવાની વાત કરી હતી. આજે પણ કેરળમાં વંદે માતરમ ગીતની બે કડી પણ ગવાતી નથી અને કોંગ્રેસ તેમજ IUML એટલે કે મુસ્લિમ લીગની ભાગીદાર પાર્ટી છે એટલે તેમને ખુશ કરવા માટે તુષ્ટિકરણની રાજનીતિ માટે કોંગ્રેસના લોકોનું આ પ્રકારનું વર્તન રહ્યું છે.
વિધાનસભાના અધ્યક્ષશ્રીએ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. ઇન્ડી ગઠબંધનના અન્ય સાથીદારો ફારુક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લાએ પણ વંદે માતરમ ગીતનું સન્માન કર્યું છે. JMM પણ તેનો વિરોધ કરતું નથી. પરંતુ મુસ્લિમ તુષ્ટિકરણ માટે જીન્હાના કારણે દેશના બે ભાગલા પડ્યા. જીન્હા માટે આજે પણ કેટલાક લોકોને વફાદારી હોય તો મને પ્રશ્ન થાય છે કે શા માટે તેઓ જીન્હા સાથે અહીંથી જતા ન રહ્યા?
વાસ્તવમાં આ ગંભીર મુદ્દો છે. ઇમરાન ખેડાવાલાનું સ્પષ્ટીકરણ છે, તે પણ ગંભીર છે. આ કોઈ વ્યક્તિગત મામલો નથી, આ દેશનો મામલો છે. દેશના બંધારણનો મામલો છે. જો કોંગ્રેસના અન્ય ધારાસભ્યો ગીત દરમિયાન ઊભા રહ્યા હોય તો કોંગ્રેસે ઇમરાન ખેડાવાલાનું રાજીનામું માંગવું જોઈએ.


