
- અમદાવાદ રેલવે સ્ટેશન પરના 9 પ્લેટફોર્મ પર પ્રતિદિન 272 ટ્રેનોનો ટ્રાફિક,
- અમદાવાદ જંક્શન પર, બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી ભારણ વધ્યું,
- સૌરાષ્ટ્રના પ્રવાસીઓને લાભ મળશે
અમદાવાદઃ શહેરમાં કાળુપુર રેલવે સ્ટેશનના નવ નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ઉપરાંત બુલેટ ટ્રેનના કોરીડોરની કામગીરી પણ ચાલી રહી છે. દેશમાં ટ્રેનોની અવર-જવરમાં અમદાવાદનું રેલવે સ્ટેશન સૌથી વ્યસ્ત ગણાય છે. રેલવે સ્ટેશન પર રોજનો 272 ટ્રેનોનો ટ્રાફિક રહેતો હોય છે. તેથી રેલવે સ્ટેશનનું ભારણ ઘટાડવા માટે લાંબા રૂટ્સની 12 ટ્રેનોને રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવશે.
પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ વિભાગ દ્વારા અમદાવાદ જંક્શન પર લોડ ઘટાડવા માટે અહીંથી પસાર થતી અપ ડાઉનની 12 ટ્રેનોને રાજકોટ શિફ્ટ કરાશે. એટલે કે અમદાવાદ વિભાગની સત્તામાંથી આ ટ્રેન હવે રાજકોટ વિભાગના અધિકાર ક્ષેત્ર હેઠળ આવશે અને આ ટ્રેન રાજકોટથી પસાર થઇને અવરજવર કરશે. વાસ્તવમાં અમદાવાદ સ્ટેશન પર અત્યારે સ્ટેશન રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. તે ઉપરાંત અહીંથી દૈનિક 272 ટ્રેનોની અવરજવર છે જેમાંથી 57 ટ્રેન માત્ર અમદાવાદ રૂટ પરથી જ ઉપડે છે. અહીંથી ઉપડતી ટ્રેનોને એક કલાક પહેલા જ પ્લેટફોર્મ પર લાવવી પડે છે. જેને કારણે સ્ટેશનના નિર્માણ કાર્યની સાથે જ અમદાવાદ જંક્શનની નજીક નિર્માણાધીન હાઇસ્પીડ બુલેટ રેલવે સ્ટેશનને કારણે રેલવે સ્ટેશન પર ભારણ વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને આ ભારણ ઘટાડવા તેમજ મુસાફરોના ટ્રાફિકને ઘટાડવા માટે અમદાવાદ જંક્શનથી ઉપડતી ટ્રેનોને શિફ્ટ કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. જેને હવે રેલવે બોર્ડે મંજૂરી આપતા પશ્ચિમ રેલવેના મુખ્યાલયને 12 અપ-ડાઉન ટ્રેનને રાજકોટ શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ જંક્શનમાં કુલ પ્લેટફોર્મ સંખ્યા 09 છે. અને જંક્શન પર અવરજવર કરતી ટ્રેન -272 ટ્રેન છે. જેમાં લાંબા રૂટ્સની 12 ટ્રેનોને રાજકોટ તબદિલ કરાશે. જે ટ્રેનોને રાજકોટ શિફ્ટ કરાશે તેમાંથી એક ટ્રેન પ્રેરણા નાગપુર એક્સપ્રેસ છે જે સુરતથી પસાર થાય છે. સુરતથી મોટી સંખ્યામાં મુસાફરો રાજકોટ જાય છે. તેનાથી રાજકોટથી પ્રેરણા એક્સપ્રેસ ઉપડતા સુરત અને નંદુરબારના મુસાફરોને રાજકોટ માટે વધુ એક ટ્રેન મળી જશે. પ્રથમ તબક્કે 12 ટ્રેનમાંથી પહેલા આ 8 ટ્રેન રાજકોટ શિફ્ટ થશે. જેમાં 19413 અમદાવાદ -કોલકાતા એક્સપ્રેસ, 19414 કોલકાતા -અમદાવાદ હાવડા મેલ 11049 છત્રપતિ સાહૂ જી મહારાજ કોલ્હાપુર એક્સપ્રેસ, 11050 કોલ્હાપુર -અમદાવાદ એક્સપ્રેસ, 19421 અમદાવાદ -પટના એક્સપ્રેસ, 19422 પટના -અમદાવાદ એક્સપ્રેસ, 22138 પ્રેરણા એક્સપ્રેસ, 22137 નાગપુર -અમદાવાદ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
#AhmedabadRailway #BulletTrainProject #TrainTraffic #RailwayStation #PlatformUpdate #RailwayDevelopment #GujaratNews #AhmedabadJunction #RailwayShifts #TrainRoutes #WesternRailway #RailwayInfrastructure #SaurashtraTravel #RailwayUpdates #HighSpeedRail #RailwayReform #AhmedabadTransit