
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા શહેરીજનો બન્યાં બિન્દાસ્તઃ દસ દિવસમાં 22349 લોકો માસ્ક વિના પકડાયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા સરકાર દ્વારા કેટલાક નિયંત્રણોમાં રાહત આપવામાં આવી છે. બીજી તરફ કોરોના કેસ ઘટતા અમદાવાદીઓને હવે કોરોનાનો ડર રહ્યો જ ન હોય તેમ માસ્ક વિના ફરી રહ્યાં છે. બીજી તરફ માસ્ક વિના ફરતા લોકોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ચાલુ મહિનાના 10 દિવસમાં 22 હજારથી વધારે શહેરીજનોને ઝડપી લેવામાં આવ્યાં છે. તેમજ તેમની પાસેથી રૂ. 2.23 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાનો નિયમ બનાવાયો છે. માસ્ક નહીં પહેરનારા અને સામાજીક અંતરનું પાલન નહીં કરનાર સામે પોલીસ અને તંત્ર સામે કવાયત શરૂ કરી છે. તેમજ આવા લોકોને પકડીને તેમની પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે.
દરમિયાન જૂન મહિનાના પ્રથમ દસ દિવસમાં 22349 લોકોને માસ્ક વિના પકડી લીધા હતા. જો એપ્રિલ મહિનાની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનામાં 52 હજાર લોકોને અમદાવાદમાં ઝડપી લેવામાં આવ્યાં હતા. તેમજ તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. આવી જ રીતે મે મહિનામાં 56 હજાર લોકોને ઝડપી લઈને દંડ વસુલ્યો હતો. જ્યારે ચાલુ જૂન મહિનામાં આ આંકડો વધીને 60 હજાર ઉપર પહોંચવાની શકયતા છે. અમદાવાદમાં માત્ર અઢી મહિનાના ટૂંકા સમયમાં જ પોલીસે 13 કરોડથી વધુનો દંડ વસુલ્યો છે કોરોનાની બીજી લહેર બાદ દંડની રકમનો આંકડો 49 કરોડ સુધી પહોંચી ગયો છે.