
અમદાવાદઃ શહેરમાં નવ નિયુક્ત મ્યુનિ.કમિશનરે ચાર્જ સંભાળ્યા બાદ મ્યુનિના અધિકારીઓની બેઠક બોલાવીને તાકિદ કરી હતી કે, શહેરમાં સૌ પ્રથમ સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવે તેમજ રોડ પરના ગેરકાયદે દબાણો દુર કરવાની તાકિદ કરવામાં આવી હતી. પરંતુ શેઠની શીખામણ ઝાપા સુધી એમ કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં લારી ગલ્લાના દબાણો, સફાઈના પ્રશ્નો સહિત અન્ય અનેક પ્રાથમિક સમસ્યાઓને ઉકેલવા રચાયેલી જેટ ટીમની કામગીરીની મ્યુનિ. કમિશનરે સમીક્ષા કરી તેની કામગીરીનો હિસાબ માગ્યો છે અને અસરકારક પગલાં લેવા સૂચના આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે તમામ વોર્ડમાં ઈ-રિક્ષા સાથે જેટ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમમાં એસ્ટેટના કર્મચારી, સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારી તથા એક પોલીસ જવાન સાથે તમામ શહેરમાં તેમને સોંપાયેલા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરીને તપાસ કરી કાયદાનું પાલન કરાવવા તથા નિયમન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે આ જેટ ટીમ કોરોના બાદ લગભગ મૃત અવસ્થામાં હોવાનું જોવા મળ્યું હતું. જેટ ટીમને દંડકીય કાર્યવાહી કરવાની પણ સત્તા આપવામાં આવી હતી. ગેરકાયદે પાર્કીંગ જેવા પ્રશ્નોમાં પણ આ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હતી. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી મૃત અવસ્થામાં રહેલી આ ટીમની કામગીરીની મ્યુનિ. કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. પરિણામે આજે બુધવારથી જેટ ટીમ ફરી એકશનમાં જોવા મળી હતી. તેમજ શહેરમાં રહેલા ગેરકાયદે દબાણોને પણ નિયંત્રિત કરવા માટે સૂચના આપવામાં આવી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના રોડ-રસ્તાઓના ફુટપાથ પર વર્ષોથી અડ્ડો જમાવીને બેઠેલા લારી-ગલ્લાવાળા સ્વચ્છતા જાળવતા નથી. અને જાહેરમાં ગંદકી કરતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ત્યારે જાહેક માર્ગો પર ગંદકી કરનારા સામે પગલાં ભરવાની પણ તાકિદ કરવામાં આવી છે.