- વાહનચાલકો સ્થળ પર UPI પેમેન્ટ કરી શકશે,
- ટ્રાફિક પોલીસ હવે સ્થળ પર સાથે જ QR કોડ રાખશે,
- વાહનચાલકોને સ્થળ પર જ ફોટો પાડીને મેમો આપવામાં આવશે
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા મેન્યુઅલ મેમો આપવામાં આવે છે. તેમજ સીસીટીવી કેમેરા દ્વારા પણ ટ્રાફિકભંગના ગુનામાં વાહન માલિકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. ઘણાબધા વાહનચાલકો મેમો મળ્યા બાદ પણ દંડ ભરતા નથી. કારણ કે દંડ ભરવા માટે નિયત કરેલા સ્થળોએ જવુ પડે છે. ઘણા વાહનચાલકોને દંડ ભરવાની ઈચ્છા હોવા છતાંયે સમયના અભાવે નિયત સ્થળે દંડ ભરવા જઈ શકતા નથી. આથી હવે વાહનચાલકો સ્થળ પર જ ક્યુઆર કોડથી દંડ ભરી શકશે. ટ્રાફિક પોલીસ હવે ડિજિટલ બની છે. જે વાહનચાલકો નિયમનો ભંગ કરશે તેને સ્થળ પર જ ફોટો પાડીને મેમો આપવામાં આવશે અને આ સાથે QR કોર્ડ સ્કેન કરીને UIP દ્વારા મેમાની રકમ વસૂલવામાં આવશે.
ટ્રાફિક પોલીસના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ શહેરમાં વાહનચાલકો નિયમોનો ભંગ કરે તો તેમને અગાઉ હાથથી લખેલો મેમો આપવામાં આવતા હતા. જે બાદ હવે ફોટો પાડીને ઇ-મેમો આપવામાં આવે છે, જેનો મેસેજ વાહનના માલિકોના મોબાઈલ ફોન પર આવે છે. વાહન માલિકે તે મેમો નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ભરવાનો હોય છે, પરંતુ અનેક વાહનચાલકો ઈ-મેમો ભરતા નથી જેના કારણે કરોડો રૂપિયાના ઇ-મેમો પેન્ડિંગ છે, જેથી ટ્રાફિક પોલીસે નવો પ્રયોગ શરૂ કર્યો છે. હવે ટ્રાફિક પોલીસ વાહનચાલકોને નિયમના ભંગ બદલ રોકીને ફોટો પાડી તાત્કાલિક ઈ-મેમો આપે છે. જે બાદ વાહનચાલકોના નંબર પર મેસેજ આવે છે. વાહનચાલકો આ મેમો ભરવા ઈચ્છે તો સ્થળ પર જ મેમો ભરી શકશે. પોલીસ દ્વારા સ્થળ પર QR કોડ આપવામાં આવશે જેને UPI એપ્લિકેશન દ્વારા સ્કેન કરીને સ્થળ પર જ મેમાની રકમ ભરી શકાશે.