Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં નકલી પોલીસના સ્વાંગમાં લૂંટ કરતા બે આરોપીઓ પકડાયા

અમદાવાદમાં નકલી પોલીસના સ્વાંગમાં લૂંટ કરતા બે આરોપીઓ પકડાયા

અમદાવાદઃ  શહેરમાં નકલી પોલીસના સ્વાંગમાં કેટલાક ઠગ શખસો લોકોને લૂંટી લેતા હોય છે. ફરિયાદ બાદ પોલીસ એક્ટિવ બની આવા તત્વોને પકડી પાડે છે. તાજેતરમાં એલિસબ્રિજમાં નકલી પોલીસ પકડાયા બાદ હવે ગોમતીપુર પોલીસે બે આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓએ એટીએમમાં યુવકને લઈ જઈ લૂંટ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ગોમતીપુર પોલીસે પકડેલા આરોપીના નામ હમીદખાન પઠાણ અને અવેશ ખાન પઠાણ છે. જે બંને રખિયાલ વિસ્તારમાં રહે છે અને બંને આરોપીઓની નકલી પોલીસ બની એક યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ થોડા દિવસ પહેલા એક યુવકને કેમ આ સમયે બહાર નીકળ્યો કહીને રિક્ષામાં આવી રોક્યો અને બાદમાં ચોકી પર લઈ જવાનું કહી પૈસાની માંગણી કરી હતી. યુવકે પોતાની પાસે 500 રૂ. જ હોવાનું કહેતા તેને કોઈ પાસેથી ઓનલાઇન પૈસા મંગાવવાનું કહેતા ભોગ બનનાર એ 3000 રૂ. ગૂગલ પેથી મંગાવ્યા હતા. બાદમાં યુવકને એટીએમમાં લઈ જઈ 2500 રૂ. અને 500 રોકડા એમ ત્રણ હજાર લૂંટી લીધા હતા.

આરોપીઓ પોલીસના સ્વાંગમાં લોકોને લૂંટતા હતા.પકડાયેલા આરોપીઓ સાથે અન્ય બે લોકો પણ હતા, જે વોન્ટેડ છે. આરોપીઓ હોટલ કે ગેસ્ટ હાઉસની બહાર ઉભા રહી સીસીટીવી ન હોય ત્યાં ઉભા રહી લોકોનો પીછો કરી પોલીસની ઓળખાણ આપી લૂંટ ચલાવતા હતા. આરોપી હમીદખાન પઠાણ ચોરીના ગુનામાં અગાઉ ઝડપાયો છે. જ્યારે વોન્ટેડ આરોપી રફીક ફકીર ઇસનપુરમાં લૂંટના ગુનામાં પણ પકડાયો હોવાનું સામે આવ્યું છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,તાજેતરમાં નરોડા પોલીસે એક હોમગાર્ડ અને એક પોલીસ કર્મીની અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ધરપકડ કરી હતી. એલિસબ્રિજ પોલીસે પણ પોલીસના નામે તોડ કરતા એકની ધરપકડ કરી હતી. ત્યારે વધુ બે આરોપી પકડાતા શહેરમાં નકલી પોલીસનો જાણે જે રાફડો ફાટી નીકળ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં આરોપીઓએ અન્ય કેટલા લોકોને લૂંટ્યા છે. તે બાબતે પણ તપાસ કરી વોન્ટેડ બે લોકોની શોધખોળ હાથ ધરી છે.

 

સંબંધિત લેખો

Most Popular