
વડોદરાના સુખલીપુરા વિસ્તારમાં મધરાતે મગર ઘૂંસી આવ્યો, ચાલુ વરસાદમાં મગરનું રેસ્ક્યુ કરાયું
વડોદરાઃ શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો પડ્યા-પાથર્યા રહે છે. મગરોની વસતી વધતા હવે મગરો નદીમાંથી બહાર નિકળીને નદીકાંઠાની વસાહતોમાં પણ આવી ચડે છે. ત્યારે રાત્રિના સમયે વડોદરા નજીક આવેલા સુખલીપુરા ગામમાં ઘર પાસે 12 ફૂટ લાંબો મહાકાય મગર ઘૂસી આવ્યો હતો. આ મગરનું ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના સુખલીપુરા વિસ્તારમાં મગર આવી ચડ્યાની જાણ રાત્રિના 3 વાગ્યાની આસપાસ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પાવરને કરવામાં આવી હતી, સુખલીપુરા ગામમાં ભરવાડ વાસ પાસે એક મહાકાય મગર રોડ પર આવી ગયો હતો. આ કોલ મળતાની સાથે જ વાઈલ્ડ લાઈફ સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત, કિરીટ રાઠોડ, અશોક વસાવા, હાર્દિક પવાર અને વડોદરા વન વિભાગના રેસ્ક્યુઅર નીતિન પટેલ અને લાલજી નિઝામાને લઈને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને જોતા એક મહાકાય 12 ફૂટનો મગર ઘર પાસે આવેલા રોડ પર જોવા મળ્યો હતો. આ મગરને અડધો કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગનાં રેસ્ક્યુ સેન્ટર પર લઈ જવામાં આવ્યો હતો.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાંથી 17 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 250થી 300 મગર છે. આ સિવાય આજવા ડેમ, દેવ નદી, ઢાઢર નદી અને વડોદરા શહેર જિલ્લાના તળાવો મળી અંદાજે એક હજાર જેટલા મગર છે. એક માદા મગર 20થી 22 ઇંડાં મૂકે છે, જેમાંથી સમય જતા માત્ર એકાદ બચ્ચું જીવે છે. મગર શેડયૂલ 1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે બેસે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી ચાર લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.