નવી દિલ્હી: દેશમાં દર વર્ષે વિદેશમાં વસવાટ કરનારા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ, સરેરાશ દર વર્ષે લગભગ બે લાખ લોકો ભારતીય નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરીએ તો, 9 લાખથી વધુ ભારતીયોએ દેશની નાગરિકતાનો ત્યાગ કર્યો છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે સંસદમાં આ આંકડા અને તેના મુખ્ય કારણો વિશે માહિતી આપી હતી. નાગરિકતા છોડવા પાછળના મુખ્ય કારણોમાં વિદેશી દેશોમાં સારી જીવનશૈલી, નોકરીની સારી તકો અને ઉત્તમ અભ્યાસના અવસરોને ગણવામાં આવે છે.
મંત્રીએ જણાવ્યું કે, 2011થી 2024 વચ્ચે 20 લાખથી વધુ ભારતીયોએ દેશ છોડીને વિદેશમાં રહેવાનું શરૂ કર્યું છે. આ આંકડાઓમાં 2021 પછી નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2022માં 2.25 લાખ અને 2023માં 2.16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડીને વિદેશમાં વસવાટ કરવાનું પસંદ કર્યું હતું. વર્ષ 2011માં 1.23 લાખ, 2012માં 1.21 લાખ, 2013માં 1.31 લાખ, 2014માં 1.29 લાખ અને વર્ષ 2015માં 1.31 લાખ નાગરિકોએ ભારતીય નાગરિકા છોડીને વિદેશમાં વસવાટ કર્યો હતો.
આ સિવાય વિદેશ મંત્રાલયે સંસદમાં જણાવ્યું કે છેલ્લા ૩ વર્ષમાં વિદેશી નાગરિકોને લગતી 9.45 લાખ જેટલી ફરિયાદો નોંધાઈ હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, આમાંની મોટાભાગની ફરિયાદો ‘ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા’ (OCI) કાર્ડ ધારકોને લગતી હતી. વર્ષ 2024-25 દરમિયાન વિદેશમાં રહેતા ભારતીયો તરફથી મળેલી ફરિયાદોની સંખ્યા અંગે એક સવાલના જવાબમાં, વિદેશ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે મંત્રાલયને 16127 ફરિયાદો મળી હતી. આ ફરિયાદો સરકારી ઓનલાઈન ફરિયાદ પ્લેટફોર્મ દ્વારા નોંધાવવામાં આવી હતી, જેમાં 11195 કેસ સામાન્ય હતા અને 4932 કેસ CPGRAMS દ્વારા મળ્યા હતા.


