
અમદાવાદના ગોમતીપુરના મેટ્રોરેલના પ્રોજેક્ટમાં અસરગ્રસ્તોને યોગ્ય વળતર ન મળતા ધરણાં કરાયાં
અમદાવાદઃ શહેરમાં મેટ્રોરેલ પ્રોજેક્ટના ફેઈઝ-ટૂનું કામ પણ પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા જ મકાનો અને દુકાનોની કપાત મેટ્રો પ્રોજેક્ટને કરવામાં આવી છે. છતાં અસરગ્રસ્તોને યોગ્ય વળતર મળ્યું ન હોવાની ફરિયાદો ઊઠી છે. કેટલાક આર્મીમેનના પરિવારો પણ અસરગ્રસ્તો બન્યા છે. તમામ અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવા માટે ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે મેટ્રોરેલ પ્રોજેક્ટ્સની કચેરી સામે અસરગ્રસ્તોએ ઘરણા કર્યા હતા.
અમદાવાદ શહેરના ગોમતીપુર ખાતે મેટ્રો પ્રોજેક્ટમાં યોગ્ય વળતર મળ્યું ન હોવાના દાવા સાથે ગાંધીનગરમાં કર્મયોગી ભવન ખાતે અસરગ્રસ્તોએ પ્રદર્શન કર્યું હતું. ગોમતીપુર વોર્ડના કાઉન્સીલર ઈકબાલ શેખની આગેવાનીમાં આર્મી જવાનના પરિવારજનો સહિતના અસરગ્રસ્તો કર્મયોગી ભવન ખાતે પહોંચ્યા હતા. જેઓએ યોગ્ય વળતરની માંગણી સાથે કર્મયોગી ભવન ખાતે બેસી જઈને સુત્રોચ્ચાર કર્યા હતા. અને ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. આ અંગે ઈકબાલ શેખે જણાવ્યું હતું કે,‘ 65 વર્ષીય ચંદ્રપ્રકાશ તિવારીનો પરિવાર બાઈ મોતીની ચાલી ગોમતીપુર મિલકત નં-49 ખાતે વર્ષોથી રહે છે. જે મકાન અને દુકાનનો કબજો મેટ્રો દ્વારા 31 ડિસેમ્બર 2020થી લેવાયો છે. નિયમોનુસાર અસરગ્રસ્તને મકાન અને દુકાનનું ભાડું આપવાની જોગવાઈ હોવા છતાં વારંવાર રજૂઆતો કરવા છતાં આર્થિક વળતર આપવામાં આવ્યું નથી. ચંદ્રપ્રકાશના પુત્ર પંકજકુમાર પુના ખાતે આર્મીમાં ફરજ બજાવે છે અને પરિવાર અહીં હક માટે લડી રહ્યો છે. જેને પગલે લકવાગ્રસ્ત ચંદ્રપ્રકાશ તિવારીના પરિવારને વહેલામાં વહેલી તકે વળતર આપવા અમારી માંગણી છે.’ તેવી ઉગ્ર રજૂઆત કરી આ મામલે ન્યાયની માગ કરી હતી.